પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

ઠાકોર સાહેબની કારવાઈઓ સામે ના. વાઈસરૉયને મેં કરેલી વિનંતી હિંસારૂપ હતી અને તેથી ઉપવાસ વણસ્યો. મને લાગ્યું હતું કે મારો પસ્તાવો જાહેર કરીને મેં તેનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું, અને પરિણામે ના. ઠાકોર સાહેબ તથા દરબાર વીરાવાળા અને મારી વચ્ચે મીઠા સબંધ સ્થપાઈને રાજકોટની પ્રજાને માટે નવું અને ઉજ્જ્વળ પાનું ખૂલશે. મારા જાહેર પશ્ચાત્તાપ પછી ભરવામાં આવેલો દરબાર એ પશ્ચાત્તાપના શુભ પરિણામ ઉપર મહોરરૂપ હતો એમ લાગ્યું હતું. હું જોઉં છું કે આમ માનવામાં મેં થાપ ખાધી હતી. માણસની પ્રકૃતિ ઘડીવારમાં બદલાતી નથી. રાજકોટની પ્રજાની હું ક્ષમા માગું છું.

મેં કરેલા પશ્ચાત્તાપનું મને દુઃખ નથી. મને ખાતરી છે કે જે નીતિદૃષ્ટિએ વાજબી હતું તે રાજકીય દૃષ્ટિએ પણ બરાબર જ હતું. મારા પશ્ચાત્તાપે રાજકોટની પ્રજાને બૂરા હાલમાંથી બચાવી લીધી. કોમી કલહ અટક્યા. મને વિશ્વાસ છે કે રાજકાટની પ્રજાને અંતે એનું છે તે મળ્યે જ છૂટકો છે. દરમ્યાન આ સુધારાઓ જે મારી નજરે નર્યા અનિષ્ટરૂપ છે તેને જરી જવા દેવા રહ્યા. જે કોઈ રાજકોટવાસીમાં સ્વાભિમાનનો છાંટો સરખો હોય તેમણે તેમાં સામેલ થવાથી દૂર રહેવું જોઈએ. જો તે મારું માને તો તે રાહ જુએ, પ્રાર્થના કરે અને અક્ષરશઃ કાંતે. તેઓ જોશે કે એમ કરીને તેઓ અહિંસાને એકમાત્ર સાચે માર્ગે રાજકોટમાં સાચી સ્વતંત્રતાના કાંતનારા નીવડશે.

અલાહાબાદ, ૨૦-૧૧-૩૯
હરિજનબંધુ, ૨૬-૧૧-૧૯૩૯