પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૫
રાજાઓ

મરજીમાં આવે ત્યારે તેમને ઉઠાડી મૂકી શકે છે. આમ બ્રિટિશ અંકુશની બાબતમાં તેઓ સામાન્ય બ્રિટિશ પ્રજાજન કરતાં બૂરી દશા ભોગવે છે. એથી ઊલટું, પોતાની પ્રજા ઉપર રાજાઓને અમર્યાદ સત્તા છે. તેઓ મરજી પડે ત્યારે તેમને ગિરફતાર કરી શકે છે ને તેમનો જીવ પણ લઈ શકે છે. કલ્પનાસિદ્ધાંતમાં બ્રિટિશ રાજ્યનો પ્રજા પ્રત્યે પણ ધર્મ રહેલો છે, પણ એનો બહુ ક્વચિત જ અમલ થાય છે. તેથી દેશી રાજ્યોની પ્રજા બેવડા અંતરાય હેઠળ કામ કરી રહી છે. આટલા વર્ણન ઉપરથી તમને સમજાયું હશે કે બ્રિટિશ સરકારની દરમ્યાનગીરી સિવાય બીજી કોઈ રીતે મહાસભા દેશી રાજાઓ પર અસર પાડી શકે તેમ નથી. પણ ખરું જોતાં બ્રિટિશ સરકાર રાજાઓ જોડે સાચો સંપર્ક સધાવા જ નહિ દે. હું પોતે તો રાજવંશી વર્ગનો નાશ ઇચ્છતો નથી. પણ હું બેશક માગું છું કે રાજાઓ કાળને ઓળખે અને પોતાની જોહુકમી સત્તાને ઘણેખરે અંશે છોડે. બળવાન બ્રિટિશ સંગીનોની રાજાઓને ઓથ છતાં, બ્રિટિશ તેમ જ રાજસ્થાની બેઉ હિંદની પ્રજાની કૂચ કોઈની અટકાવી અટકે એમ નથી. હું તો એવી આશા સેવી રહ્યો છું કે રાજાઓ તેમ જ આજના બ્રિટિશ રાજ્યકર્તાઓ સહિત રાજા પ્રજા તમામનું સામટું શાણપણ એ કૂચને પાગલ બનતી અટકાવશે. કારણ જો એને સારુ કોઈ પાધરો રસ્તો નહિ કાઢવામાં આવે તો તે આડી ફાટ્યા વિના રહેશે નહિ. હું તો મને શક્ય એવો સારામાં સારો અહિંસક પ્રયત્ન કરી જ રહ્યો છું. પણ મારી અહિંસા મારી અપૂર્ણતાઓને કારણે કદાચ નિષ્ફળ પણ નીવડે. તેથી લોહીમાં નાહ્યા વગર હિંદ પોતાના ધ્યેયને પહોંચે એમ જે કોઈ ઇચ્છતા હોય તે સૌનો આ કામમાં હું ટેકો માગું છું.