પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

સહન છે. પણ વ્યક્તિઓ પર શારીરિક જુલમ ગુજર્યાના ને તેમની હડધૂત થયાના દાખલા મારી જાણમાં આવ્યા છે. એ જો સાચા હોય અને જો એવા જુલમો જે માણસોના પર ગુજર્યા હોય તેમને અહિંસામાર્ગની જાણ ન હોય, તો તેઓ અંતરમાંથી જેટલી હિંસા પ્રગટાવી શકે તે બધી વાપરીને એ જુલમોનો સામનો કરશે, અને એ શારીરિક જુલમો અને હડધૂતનો સામનો કરતાં મોતની ભેટ કરવી પડે તો કરશે.

એવા હિંસક સામનો લગભગ અહિંસામાં ગણાશે— જેમ વિકરાળ બિલાડીના ઉંદરે કરેલો સામનો ગણાય છે. કોઈ નિઃશસ્ત્ર માણસના દેહ પર કોઈ જાલિમોની સશસ્ત્ર ટોળી અનેક યાતનાઓ ગુજારી રહી હોય એવા માણસની કલ્પના મારા મનમાં છે. કોઈ પણ માણસ શરીરે ગમે તેટલો નબળો હોવા છતાં તેનામાં જો સામનો કરવાનું સંકલ્પ બળ હોય અને સામી છાતીએ મોતની ભેટ કરવાની શક્તિ હોય, તો તેણે ગમે તેટલાં સંકટોની સામે પોતાને અસહાય માનવાની જરૂર નથી.

હું રાજાઓનો સાચો મિત્ર હોવાનો દાવો કરું છું. મારો એ દાવો રાજાઓ સ્વીકારે એમ હું ઇચ્છું છું. એવા મિત્ર તરીકે હું તેમને કહેવા ઇચ્છું છું કે, યુગધર્મને ઓળખવાનો રસ્તો એ છે કે તલવારનું બળ સાવ નિરુપયોગી છે એ સમજવું. બાઈબલમાં કહ્યું છે કે, ‘જેઓ તલવાર ઉઠાવશે તેમનું મોત તલવારથી જ થશે.’ એ વચન આપણે ધારેલું એના કરતાં વહેલું સાચું ઠરવાનું છે.

સેવાગ્રામ, ૨૦-૯-૪૧