પૃષ્ઠ:Divadi.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાતશત્રુ : ૧ર૩
 


'દોઝખમાં પણ આવીશ?'

'હા ! પણ તમારે દોઝખને યાદ કરવું શા માટે પડે ? તમને ઊંઘ આવતી નથી એ જાણી હું તમારે માટે કોકોનો પ્યાલો કરી લાવી છું. ચાલો અંદર અને પી લો.'

આ દુશ્મન પત્ની મને કોકો પાયા વગર મરવા દેવાની નથી, એવી ખાતરી થતાં અગાશીમાંથી હું અંદર મારા સૂવાના ખંડમાં આવ્યો. ખંડ બહુ સુંદર રીતે શણગારાયેલો હતો એવું મારું વર્ષો પહેલાનું માનવું હતું. ઓરડો એનો એ જ હતો; એમાં એનો એ જ શૃંગાર હતો; એની એ જ પત્ની એમાં હતી. છતાં એ શયનગૃહ મને અકારું થઈ પડ્યું હતું. હું અત્યંત ચારિત્ર્યનિષ્ઠ હોવાથી, નીતિનો પરમ નમૂનો બનવા મંથન કરતો હોવાથી, હું અન્ય રૂપવંતી સ્ત્રીઓ તરફ નજર પણ નાખતો નહિ. સૌંદર્યસંપન્ન અન્ય જોડકાંને હસતાં રમતાં જોઈ હું દાઝી ઊઠતો. આમ ઉપરથી કોઈને લાગે નહિ, કઈ માને નહિ, છતાં હું બાળકોથી, પત્નીથી, જગતથી, અને મારી જાતથી પણ કંટાળી ગયો હતો. કમનસીબે કોઈક દર્દ અગર રોગ આવીને પણ મારા જીવનમાં ભાત પાડતાં નહિ ! શરીરની તંદુરસ્તી મને માંદગીનો શોખ પણ ભોગવવા દેતી નહિ.

શયનખંડમાં આવી એક ખુરશી ઉપર બેસી પત્નીએ આપેલ કોકોનો પ્યાલો મેં ધીમે ધીમે પીવા માંડ્યો અને મારી નજર સામે એક અત્યંત બદસૂરત, વિકરાળ ભૂત આવીને ઊભું રહ્યું હોય એમ મને લાગ્યું ! એની આંખ બિહામણી હતી; એના મુખની રેષાઓમાંથી કટુતાના ફુવારા ઊડતા મને દેખાયા; એના કપાળની કરચલી જાણે શોકને આમંત્રણ આપતાં તોરણ હોય એવી મને દેખાઈ. હું ચમક્યો. મને સહજ બીક લાગી એમ કહું તો ચાલી શકે. આવા ભયંકર દેખાવની છબી શા માટે મારી પત્નીએ મારા જ શયનખંડમાં લાવીને મૂકી હશે ? કોકોનો પ્યાલો મેં ટિપાઈ ઉપર મૂકી દીધો, અને અત્યંત ગુસ્સે થઈ મેં પત્નીને પૂછ્યું :