પૃષ્ઠ:Divadi.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : દીવડી
 


'આ છોકરાં, બોત જેવાં ઊભાં કેમ રહ્યાં છો ? ભેગી કરો ધૂળ,અને નાખો આગમાં. આ તમાસો જોવાનો નથી !'

અમારા હૃદયમાં પણ એક વિજળી જાગ્રત થઈ. અમારે માથે ટોપીઓ હતી; તેમાં અમે ધૂળ ભરી અને આગની એક બાજુએ અમે નાખવા માંડી. ટોપીઓમાં તો કેટલી ધૂળ ભરાય ? અમે અમારાં પહેરણ અને અંગરખાં શરીર ઉપરથી કાઢ્યાં અને તેમાં ધૂળ ભરી ભરી આગમાં નાખવા માંડી. એક વૃદ્ધ બાઈ ઘડો ભરી પાણી છાંટતી હતી તેણે અમને જોયા અને ઘડો જમીન પર મૂકી તેણે એક બાળકની ધોતી કાઢી નાખી તેને કહ્યું :

'દીકરા ! ટોપી-પહેરણની ધૂળ નહિ ચાલે. ધોતી કાઢ અને તેમાં ધૂળ ભરી હનુમાનનું નામ લઈ આગમાં નાખ, જો આગ હોલવવી હોય તો. અને આખો બાલસમૂહ લાજશરમને બાજુએ મૂકી પોતપોતાની ધોતીઓ કાઢી, તેમાં ધૂળ ભરી અગ્નિમાં નાખવા લાગ્યો.

વૃદ્ધો અને યુવાનો, સ્ત્રીઓ અને પુરુષો આગ હોલવવામાં સામેલ થઈ ચૂક્યાં હતાં અને તેમાં અમે બાળકો પણ દાખલ થઈ ગયાં અને આગને વધતી અટકાવવા તથા હનુમાનના મંદિરને અગ્નિ ન અડકે એમ જોવા અમે બાળકો પણ પ્રવૃત્ત થયાં.

એ તો ઠીક; પણ જ્યારે અંત્યજવાસમાંથી ઘડા લઈ અંત્યજ સ્ત્રીપુરુષો આવી પહોંચ્યાં ત્યારે મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

તેમના આગેવાને બૂમ મારી :

'શેઠ બાપુ ! શાસ્ત્રીજી ! અમારું પાણી ખપશે કે ?' ત્યારે તિલકવાળા નગરશેઠ અને ત્રિપુંડવાળા શાસ્ત્રીએ પણ સામે બૂમ મારી કહ્યું :

'અરે, કાંઈ હરકત નહિ; આપદ્દધર્મ છે. પછીથી પ્રાયશ્ચિત થઈ શકશે. નાખો ઘડો; વાર ન કરો.'

આમ બ્રાહ્મણ અને અંત્યજ ભેગા મળી આગ હોલવવા મથતા હતા; જાતિભેદ વીસરાઈ ગયો હતો; અને ધર્મભેદ બાજુએ મૂકી,