પૃષ્ઠ:Divadi.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : દીવડી
 

અને શરીર કસરત સહન કરે તેવું થાય પછી ભાઈને કસરત કરાવો !'

અને ડૉક્ટરોએ એવો અભિપ્રાય આપ્યો :

'કૉડલીવર ઓઈલ એટલે-Bottled Sunshine–શીશીમાં ભરેલો સૂર્યપ્રકાશ. ભાઈને એ પાઓ અને અમારા દવાખાનામાં એક માસ સુધી ભાઈને રાતાંભૂરાં કિરણોનું સ્નાન કરાવો. પછી જુઓ એમનું શરીર.'

વૈદ્યની કે ડૉક્ટરની દવા લેતાં બરાબર એક કે બે દિવસ રૂપમોહનને સારું લાગતું પણ ત્યાર પછી તો એ ભગવાન એના એ ! દવા ચાલુ રહેતી અને તેનું શરીર બગડ્યા કરતું.

મૅટ્રિક ભણી રહીને અમે છૂટા પડ્યા. છૂટા પડ્યા પછી પત્રવ્યવહાર પણ ઘસાતો ચાલ્યો. મારાથી તો શરીરની કાળજી રૂ૫મોહનની ઢબે રાખી શકાય એમ હતું જ નહિ. શરીરને સ્વસ્થ રાખી ભણવું એ જ મારે માટે દુનિયામાં એક માર્ગ હતો; જ્યારે રૂ૫મોહનને તો ભણ્યા વગર ચાલે એમ હતું, કારણકે તેનું ગુજરાન ભણતર ઉપર આધાર રાખતું ન હતું. થોડા વખતમાં અમે સાંભળ્યું પણ ખરું કે ડોકટરો અને વૈદ્યની સલાહ અનુસાર રૂપમોહને અભ્યાસ છોડી દીધો હતો. જ્યાં જ્યાં સગવડ મળતી ત્યાં ત્યાં હું ભણી લેતો; એટલે મારે ઘણી ઘણી કૉલેજો બદલવી પડી. કૉલેજની બહાર નીકળતા પહેલાં તો રૂપમોહનનો એક આગ્રહભરેલો પત્ર આવ્યો કે મારે તેના લગ્નમાં હાજર થઈ જવું ! પરંતુ લગ્નને દિવસે જ મારે પરદેશ ભણવા જવાની તારીખ નક્કી થઈ ગઈ હતી. અને જોકે મારા જીવનમાં રૂપમોહનના લગ્નનું મહત્ત્વ તો હતું જ; પરંતુ તે મારા ભણતર કરતાં વધારે ન હોવાથી મેં તેની ક્ષમા માગી, તેને ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પરણનાર યુગલની છબી મંગાવવા માટે આગ્રહ લખી હું મારે કામે લાગ્યો અને પરદેશ ગયો.

પરદેશથી પણ હું તેને કાગળો લખતો અને તેના પત્રો કદીક કદીક મારા પર આવતા, મને આશા હતી કે રૂપમોહનનું લગ્ન