પૃષ્ઠ:Divadi.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સનાતન દર્દી : ૧૯૫
 

ભેટ આપવા માંડ્યાં. માનવી ગુસ્સે થાય છે ત્યારે તે પોતાના બળનો વિચાર કર્યા વગર જ આવેશને કાબૂ સોંપી દે છે. રૂપમોહન આમ તો જોરદાર હતો જ નહિ. સમુદ્રની અને સરોવરની કંઈક માછલીઓનાં તેલ તે ડૉકટરની સલાહ અનુસાર પી ગયો હતો, અનેક ઈંડાનું સત્યાનાશ તેણે કાઢી નાખ્યું હતું તથા કોઈ દવા વેચનારની વિશાળ દુકાન થાય એટલી દવાઓની શીશીઓ તેણે ખાલી કરી હતી છતાં તેના દેહમાં કાંઈ જોર આવ્યું હોય એમ મને લાગ્યું નહિ. જોર વગરનાં માણસોને પણ ખીજ અસહ્ય થઈ પડે છે અને પૂરતી શક્તિ હોય કે ન હોય તો પણ અશક્તિમાનનો ક્રોધ તેમના દેહને મરણિયો પણ બનાવી શકે છે. રૂપમોહન હવે બહુ ગુસ્સે થતો. રડવાની પરિસ્થિતિ હવે પોસાય એમ ન હતી. રુદન ઘણા ક્લેશને ધોઈ નાખે છે; પરંતુ માધ્યમિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ રુદનથી છેટા જતા જાય છે. રૂપમોહન નાનપણની માફક હવે રડી શકતો નહિ; પરંતુ હવે વારંવાર મારામારી થતી અને તેમાં તેને વાગતું પણ ખરું. એના દેહને ઘા પડતા એના કરતાં એના મનને જબરા ઘા પડ્યા હતા. એક દિવસ મેં તેને કહ્યું :

‘રૂપ ! તારે આ છોકરાઓ સામે થવું હોય તો ચાલ આપણે અખાડામાં જઈએ.'

છોકરાઓ સામે થવા માટે રૂપમોહનને જે સૂચના થાય તે સૂચના પ્રમાણે વર્તવાની તેની તૈયારી હતી. એકબે દિવસ તે મારી સાથે અખાડામાં પણ આવ્યો; પરંતુ એ બે દિવસની કસરતમાં તેનું શરીર એટલું દુખવા લાગ્યું કે તેના માતાપિતાએ તે હકીક્ત જાણી. આવી હલકી ગુંડાઓને શોભે એવી પ્રવૃત્તિઓમાં તેના જેવા પૈસાદાર છોકરાથી ન પડાય એમ તેમણે સૂચવ્યું, અને વળી પાછી વૈદ્ય ડૉકટરની પરિષદ ભરી તેને કસરતમાંથી પાછો વાળી લીધો.વૈદ્યોએ કહ્યું :

'કસરત કરવી ઠીક છે, પણ હજી જરા અમારી દવા ખાય