પૃષ્ઠ:Divadi.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાજી પટેલ : ૨૦૯
 

નહિ. એટલું જ નહિ, કેટલાક દેણદારો શહેરમાં મજૂરી કરવા ચાલી નીકળ્યા, કેટલાક ચારે ધામની યાત્રાએ નીકળી ગયા; એકબે દેણદારોએ સંન્યસ્ત લીધું અને જે ગામમાં રહી ગયા તેમની પાસે ખેતીનું સાધન ન હોવાથી તેમની જમીનમાં માત્ર ઘાસ જ ઊગવા લાગ્યું; પરંતુ એથી લેણદાર પોતાના પૈસા મૂકી દે એમ બનતું નથી. જે અમલદારના આગ્રહથી મંડળી નીકળી હતી એ જ અમલદારના હુકમથી પૈસા વસૂલ લેવા ફરમાન નીકળ્યું, અને એ ફરમાન એટલું વ્યાપક હતું કે મંડળીના પંદરે સભ્યો પાસેથી – વ્યક્તિગત રીતે જેની પાસેથી મળે તેની પાસેથી – એ લહેણું વસૂલ કરવું. પંદરમાંથી ચૌદ માણસોએ મંડળીના પૈસા લીધા હતા. પૈસા ન લેનાર પંદરમા સભ્ય બાજી પટેલ હતા. ચૌદ સભ્ય પાસેથી પૈસા મળે એવું કશું દેખાયું નહિ, એટલે સાંકળિયા જામીનગીરી અંગે એ ચૌદ દેવાદારોનું દેવું બાજી પટેલ પાસેથી વસૂલ કરવામાં આવ્યું, કારણ તેમની પાસે મિલકત હતી. બાજી પટેલની જમીનો વેચાઈ – જેમાંથી કેટલોક ભાગ ખંધા ગામપટેલે રાખી લીધો; એકબે ડેલા વેચાયા અને પત્નીનાં થોડાં ઘરેણાં હતાં તે પણ વેચાઈ ગયાં.

બાજી પટેલ આ અણધારી આફતથી મૂઢ સરખા બની ગયા. બીજાની સ્થિતિ સુધરવાને બદલે સુધરેલી સ્થિતિવાળા બાજી પટેલની સ્થિતિ બગડી ચૂકી. સ્થિતિ સુધારવાને નામે આ કયો આફતનો ગબ્બારો દેશ ઉપર ઉતરી આવ્યો છે તેની સમજ બાજી પટેલને પડી નહિ. ચૌદ નાદારને સદ્ધર બનાવવાના પ્રયત્નમાં પંદરમા સધ્ધર બાજી પટેલ પણ નાદારીને કિનારે આવી ઊભા રહ્યા. સારા કૃષિકારથી ખેતી પણ હવે સારી થઈ શકી નહિ. કેટલી યે સરસ જમીન તેમના હાથમાંથી ચાલી ગઈ હતી. દિવસરાત, ખેતી કરતાં અગર ઢોરને પાણી પાવા જતાં તેમના હૃદયને ધડકાવી નાખતો એક પ્રશ્ન ખટક્યા જ કરતો :

'નથી મેં પૈસો લીધો; છતાં મારે બીજાનું દેવું આપવાનું?'