પૃષ્ઠ:Divadi.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦ : દીવડી
 


નિરુપદ્રવી-નિર્દોષ માનવીમાં હવે સહુને એક જીવતો જાગતો ભયંકર ચોર દેખાયો. કોઈની સામે મદન બહુ આંખ મેળવતો નહિ એ તેની ચોરવૃત્તિની નિશાની સહુને દેખાઈ. પડોશીને ત્યાં બહુ અવરજવર ન કરતો મદન હવે સહુને એક સંતાતો ફરતે ચોર દેખાવા લાગે. તેની અવરજવરની અનિશ્ચિતતા અને કોઈને પણ મળવાની અનિચ્છા હવે સહુને એક ચોરનું લક્ષણ લાગી. હવે પછી આ દોરડું ચોરનાર વધારે મોટી ચોરી કરવા ન પ્રેરાય એ માટે તેને પોલીસને સ્વાધીન કરવાની સહુએ ઈચ્છા પ્રગટ કરી, એટલું જ નહિ પણ દોરડાની ચોરી સાથે આખા જીવનમાં થયેલી સહુની નાની મોટી ચોરી મદનને જ માથે નાખવામાં આવી. ગુમ થયેલી વસ્તુઓ પાછી મેળવવા અથવા પાછી ન મળે તો નવી વસ્તુઓ ગુમ ન થાય એવી સાવધાની તરીકે દોરડાની ચોરી સાથે સહુએ પોતપોતાની ચોરીઓ નોંધાવવાનું કબૂલ પણ કર્યું.

મદન હવે પોલીસને સ્વાધીન થયો. ગુનેગારે પોલીસને સ્વાધીન થવું એટલે મૃત્યુની યાતનાને સ્વાધીન થયા બરાબર ગણી શકાય. મદનની દોરડાની ચોરી તો બહુ ક્ષુલ્લક ચોરી ગણાઈ. તેની તરફ પોલીસવાળા કઈ ધ્યાન પણ ન આપત; પરંતુ દોરડાની સાથે બીજી ચોરીઓના આરોપ પણ તેની ઉપર મુકાયેલા હોવાથી મદનને પોલીસ કબજે રહેવું પડ્યું અને જેમ જેમ પોલીસ તપાસ વધતી ચાલી તેમ તેમ ન પકડાયેલી શહેર અને શહેર બહારની અનેકાનેક ચોરીઓનો સંબંધ મદન સાથે જોડાઈ ગયો. એટલું જ નહિ, પરંતુ હજી અનેકાનેક ભાવિ ગુનાઈત કૃત્યોના કેન્દ્રસ્થાન રૂપે મદન પોલીસને દેખાવા લાગ્યો. ગાંજાચરસની દાણચોરી, દારૂની આપલે, પેઢીઓમાં પડેલાં ખાતર અને મળસકે થયેલી કેટલી યે લૂંટમાં મદન જ પ્રેરણામૂર્તિ હોય એમ પોલીસનાં કામ કરવાવાળાને દેખાવા લાગ્યું. પોલીસતપાસ