પૃષ્ઠ:Divadi.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬ : દીવડી
 

મારી પાસેથી છીનવી લીધી અને તે સાથે મારું સુખ સમેટાઈ ગયું. કુસુમનો કદી સ્વર્ગવાસ થાય એવી કલ્પના પણ મેં કરેલી નહિ; પરંતુ મને એકલો છોડી એ સ્વર્ગે ગઈ – સ્વર્ગ કરતાં પણ વધારે મીઠા, વધારે કુમળા વધારે સૌંદર્યભર્યા જગતમાં એ જવી જોઈએ ! જ્યાં ગઈ હોય ત્યાં, મારી પાસેથી તો એ ગઈ જ ! મેં માથું ફૂટ્યું કે હૈયું કૂટ્યું એની વિગતમાં હું આજ નહિ ઊતરું. એ પાછી આ જગતમાં આવે તો સામે પલ્લે હું મારો પ્રાણ પણ મૂકવા તત્પર હતો, પરંતુ આત્મઘાત કરવાથી કુસુમ પાછી મળે એ સંભવ હતો નહિ એમ મારું ગણતરીબાજ હૃદય કહી રહ્યું અને કુસુમને જતી કરી હું જીવતો રહ્યો. ધીમે ધીમે મારાં આંસુ - અને રુદન પણ ઘટી ગયાં. દિવસો વીતે છે તેમ દુઃખના ઘાવ પણ જડ અને સહ્ય બનતા જાય છે. નહિ તો કુસુમ વગર હું જીવતો પણ કેમ રહું?

મિત્રો, સગાંસંબંધીઓ, શુભેચ્છકો સહુએ મારું દુઃખ હળવું કરવા બનતા પ્રયાસો કર્યા અને એક મિત્રે તો ઉષા નામની એક સૌંદર્યભરી યુવતી સાથે મારો પરિચય પણ કરાવ્યો. એ પરિચય વધારવાના પ્રસંગો પણ ઊભા કર્યા. ઉષા મને ગમે એવી યુવતી હતી. પરંતુ એના પરિચયમાં મિત્રો એને કુસુમને સ્થાને લાવવા પ્રયત્ન કરતા હશે એવી કલ્પના પણ મને આવી ન હતી. કુસુમ હતી ત્યારે પણ સુંદર સ્ત્રીઓ મને ગમતી; એ ન હતી ત્યારે પણ સુંદર સ્ત્રીઓ પ્રત્યે મને અણગમો લાવવાનું કારણ ન હતું.

એક દિવસ પ્રભાતમાં હું ઊઠ્યો. કુસુમ વગરનું જીવન ખાલી તો હતું જ; પરંતુ કુસુમના સ્વર્ગવાસ પછી કુસુમના જ શબ્દોમાં રોજ મને જાગૃત કરતો પોપટ પણ આજ બોલતો સંભળાયો નહિ. પોપટ રોજ સવારમાં બોલતો : 'કુસુમ....કુસુમ...બોલો શુકદેવ !...અરુણ !..સવાર થયું. જાગવું નથી ?' કુસુમનું નામ સાંભળી અને એના જ સંબોધન ઉદ્ગાર