પૃષ્ઠ:Divadi.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું ફરી કેમ ન પરણ્યો ? : ૨૫૩
 

જગાડવા જેવું શું તારે મને કહેવાનું છે?' કેટલાક વારે ઉષાએ બોલવાની પહેલ કરી.

મારું હૃદય પણ ગંભીર બની ગયું હતું. ભારે નિશ્ચયો સુખદ હોય તો ય તે માનવીને ગંભીર બનાવી દે છે.

'તું વગરબોલ્યે ઘણું ઘણું સમજી શકે એમ છે...' મેં કહ્યું.

'હું તો ઘણું યે સમજું છું પણ તને ક્યાં સમજાવતાં આવડે છે ! આવડતું હોત તો આજ સુધી આમ...' વાક્ય અધૂરું રાખી જરા શરમાઈ ઉષાએ ઉઘડી ગયેલા મસ્તક ઉપર સાડીનો છેડો ઢાંક્યો.

'વગરબોલ્યે સમજી જવાય એવી વાતને બોલવામાં સમજાવવી પડશે ?' મેં વાતાવરણને પ્રિય બનાવતા શબ્દો ઉચ્ચાર્યા.

'બોલ્યા વગર સમજાવવાની ઘણી ચે તક હતી...ફોન ઉપર ....રૂબરૂ નહિ તો...' ઉષા બોલી.

'ફોન ઉપર ચુંબન થઈ શકે એ હું જાણતો હતો. છતાં મેં એ તક જતી કરી હતી એ વાત પણ સાચી.' મેં કહ્યું :

'બોલ્યા વગર સમજાવવાની એક સર્જનજૂની રીત છે, ઉષા !'

—કહી મેં વીંટી કાઢવા ખિસ્સામાં મારો હાથ નાખ્યો અને મારો હાથ, મારો દેહ અને મારું હૃદય એકાએક જડ–જુઠ્ઠાં પડી ગયાં ! જાણે પક્ષઘાતનો વજ્રપાત મારા દેહને ચીરી રહ્યો ન હોય !

મારા મુખ ઉપર તેમ જ મારી આંખમાં પણ કશી ઓળખાઈ આવે એવી જડતા ઉષાને દેખાઈ હશે એટલે એણે જરા મારી સામે જોઈ મને ખભેથી સહેજ હલાવી પૂછ્યું :

'અરુણ ! શું થયું તને એકાએક ? કેમ આમ શૂન્ય સરખો બની રહ્યો છે ?'

'બોલ્યા વગર મારું હૃદય તને સમજાવવા મથું છું...'

'મથીશ નહિ. સમજી ગઈ.' કહી તેણે મારે ખભે હાથ મૂક્યો.

'ઉષા ! તું નથી સમજી હજી...તું જે કાંઈ સમજે છે એના