પૃષ્ઠ:Divadi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ : દીવડી
 

ઊઘડી આવે છે, અને તેમના કેસરભીના કંથો તો પહેલા જ માસથી 'સાહં સાહ'નો મંત્ર જપતા ચાલે છે; એક માત્રાનો ભાર પણ તેમનાથી સહન થઈ શકતો નથી !

પતિ પત્નીની એકતા એટલે સાચો આર્ય આદર્શ ! જેમ ઓરડી નાની તેમ પતિ પત્નીની એક્તા વધારે ગાઢ બનતી જાય છે. તે એટલે સુધી કે ઘણી વાર ટુકડી ઓરડીમાં રહેતાં પતિપત્નીની ચર્ચા અર્ધ નારી-નટેશ્વરની કલા-કલ્પનાને આકાર પણ આપી રહે છે ! મુંબઈના માળાઓ રચી ધનિકોએ આર્ય આદર્શનો સાચો પાડવા કરેલે સતપ્રયત્ન ઐતિહાસિક ગણાવો જોઈએ.

કિશોરને પત્ની વગર રહેવું બહુ દુઃખભર્યું લાગતું હતું, એટલે તેણે પત્નીની સંમતિ પત્ર દ્વારા માગી અને સંમતિ ઉપરાંત પાઘડીની રકમ તેની પાસે ભેગી થયેલી ન હોવાથી પલ્લાની રકમમાંથી એ સગવડ કરી આપવા તેણે વિનતિ કરી – જે ટૂંક સમયમાં કિશોર ભરપાઈ કરી આપવાને ઈન્તેજાર હતો ! લગ્નના પ્રથમ વર્ષમાં પતિપત્નીને પરસ્પરમાં એટલો વિશ્વાસ અને એટલી શ્રદ્ધા હોય છે કે તેઓ એકબીજા માટે જીવ પણ આપવાની તૈયારી બતાવી શકે છે; વર્ષો થાય તેમ તેમ વિશ્વાસ ઘટતો જાય છે એ જુદો પ્રશ્ન છે. કિશોરની પત્નીએ નાની તો નાની પણ સ્વતંત્ર કહી શકાય એવી ઓરડી તત્કાળ લઈ લેવા સંમતિ આપી, પાઘડીના પાંચસો એક રૂપિયા પોતાના પલ્લાની રકમમાંથી ઉપાડી તત્કાળ મોકલ્યા અને મુંબઈ આવી પતિ સાથે રહેવાના સ્વપ્ન તેણે સેવવાં શરૂ કર્યા.

રૂપિયા હાથમાં આવતાં બરોબર તે માળાના મહેતાજીને મળે. મહેતાજીએ કહ્યું :

'ભાડાની રકમ પહેલી લાવો, એટલે ઓરડી તમારી. સામાન બહુ તો નથી ને?'

'ના ના, હમણાં તો એક નાની બૅગ લઈને જ હું મુંબઈ આવ્યો છું.' કિશોરે કહ્યું.