પૃષ્ઠ:Divadi.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માંદગી કે પાપ ?

રસિક આમ તો સારું ભણતો. વર્ગમાં જ્યારે જોઈએ ત્યારે તે ઊંચે નંબરે જ હોય. વર્ગમાં તેનું કાંઈ તોફાન નહિ. શીળી, સુંવાળી ઢબે તે પોતાનો અભ્યાસ કરતો. તોફાનમાં કદી તેનું નામ સુધ્ધાં આવતું નહિ. આવો વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને તો નહિ પરંતુ શિક્ષકોનો તો જરૂર માનીતો થઈ પડે છે. વર્ગમાં ઊંચે આવવાની ધગશને લઈને તેણે રમતગમત કે તોફાનની તરકીબોમાં કાંઈ રસ લીધો નહિ. તોફાની અને રમતમાં આગેવાની ભોગવનાર વિદ્યાર્થીઓ વર્ગમાં બહુ જ માનીતા થઈ પડે છે. સાથે સાથે સારું ભણનાર વિદ્યાર્થીઓ પ્રત્યે પણ સામાન્યત: સહુની કૂણી લાગણી હોય છે.

આમ શિક્ષકોમાં તેમ જ વિદ્યાર્થીઓમાં રસિક માનીતો હતો.

સારો અભ્યાસ કરતો દીકરો માબાપનો પણ સહજ માનીતો હોય. તેમાં ય તે માતાપિતાનો મોટો પુત્ર હતો, એટલે તેના તરફ માતાપિતાની મમતા પણ વધારે રહે, અને તે જલદી અભ્યાસ પૂરો કરી કુટુંબપોષણમાં ઉપયોગી થઈ પડે એવી માતાપિતાની આશાનું કેન્દ્ર પણ તે બની ચૂક્યો હતો. ગરીબ માબાપના ઘરમાં રસિકનું