પૃષ્ઠ:Divasvapna.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૧ ]

તમને ગમે તેવાં ચિત્રો તમે કાઢ્યે જાઓ, ધીમેથી કાઢજો, સફાઈથી કાઢજો. ઝાડ જોઈને ઝાડ કાઢી બતાવો, ખુરશી જોઈને ખુરશી કાઢી બતાવો.” ચિત્રશિક્ષકે તેમ કર્યું અને વિદ્યાર્થીઓ તલ્લીનતાથી તે જોઈ રહ્યા. બીજે દિવસે ચિત્રનું કામ એાર જામ્યુ. કાઢવાના નિયમોમાં કાંઈ વધારે સમજ વિદ્યાર્થીઓમાં આવી હોય તેમ લાગ્યું. તે પછી ચિત્ર નીચે તારીખ અને નામ લખવાનું મેં દાખલ કર્યુંં.

વળી થોડા દિવસ પછી એ ચિત્રકારભાઈને મેં બોલાવ્યા અને રેખાચિત્રોમાં કે આલેખનચિત્રોમાં રંગ કેમ પૂરાય તે કરી બતાવવા મેં ગોઠવણ કરી. ચિત્રકારે એક, બે, ત્રણ, ચાર, પાંચ એમ થોડાંએક ચિત્રોમાં સુઘડતાથી પેન્સિલથી રંગ પૂરી બતાવ્યા. વિદ્યાર્થીએાને રંગ પૂરવાની એક નવી દિશા મળી.

વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન માપતા હતા અને છોકરાઓ સાથે ફરતા હતા. છોકરાઓની નજરોનજર મકાનનો નકશો કાગળ ઉપર કેમ દોરાય તે અમે કરી બતાવ્યું. બેપાંચ દિવસ છોકરાઓને મેં સર્વેયરની ઓફિસમાં જ મોકલ્યા અને ત્યાં ડ્રાફ્ટસમૅનો શેરીના, ગામના, સીમના વગેરે નકશાઓ કેમ દોરે છે તે દેખાડ્યું. એકબે વાર છોકરાઓને મોજણીદાર સાથે સીમમાં લઈ ગયો અને પ્રત્યક્ષ મોજણીનું કામ બતાવ્યું. નિશાળમાં છોકરાઓ નિશાળને, ઓરડાને, પોતાના ઘરને, શેરીને અને કોઈ કોઈ વખત કોઈ કૂવા કે તળાવને ચીતરવા લાગ્યા. ચિત્રનું કામ વધારવા છોકરાઓને કુદરતમાં ફરવા લઈ જતો. કોઈ વસ્તુને અાંખમાં ખ્યાલ કેમ આવે તેની રમતો રમાડતો - જેવી કે કોક ઝાડ ઉપર નજર નાખતાંવેંત થડડાળી કેવાં છે તે જોઈ લઈને આંખ બંધ કરી તે કાગળ ઉપર ચીતરી લાવે; સૂર્યોદય વખતના