પૃષ્ઠ:Divasvapna.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૧]


મેં મહારાજજીને આદરપૂર્વક નમસ્કાર કર્યા, ખુરશી ઉપર બેસાર્યા ને કહ્યુંઃ “વારુ મહારાજજી, આપ આપનું કામ શરૂ કરો.”

છોકરાઓ તો સાધુ મહારાજના મૂંડેલ શિર તરફ તથા મોં તરફ જોતા હતા. મહારાજનું પાતળું શરીર, હાથમાં કમંડળ, કાંતિવાળી મુખમુદ્રા, આ બધું વિદ્યાર્થીઓ કૌતુકથી ધારી ધારીને જોતા હતા.

મેં વિદ્યાર્થીઓને કહ્યું: “સ્વામીજી ઉપદેશ કરવાના છે. તમે સૌ ધ્યાનથી સાંભળજો.”

છોકરાઓ હવે તો મારી આજ્ઞામાં સમજતા હતા. તેઓ શાંતિથી બેઠા.

સ્વામીજી ઉપદેશ કરવા લાગ્યાઃ “દેખો વિદ્યાર્થીઓ, આ જગતમાં સૌથી મોટો ઈશ્વર છે. આ દુનિયાને એણે પેદા કરી છે. એનાથી આ જગત છે. એ આપણું આદિકારણ છે.”

આમ ઈશ્વર મહિમા ચાલવા માંડ્યો. હું તો ચૂપ બેઠો હતો. વિદ્યાર્થીઓ શાંત હતા. પણ ધીમે ધીમે તેઓ અશાંત થતા હતા. કોઈ આળસ મરડવા લાગ્યા, કોઈ પાટી ઉપર કાંકરાથી ચિહ્ન કે મીડાં કરવા લાગ્યા, કોઈ ચો૫ડી ઊંચીનીચી કરવા લાગ્યા, કોઈની આંખ જરા જરા લાલ બની, કોઈ ટચલી આંગળી બતાવી બહાર ગયું; એક ગયો તેની પાછળ બીજો ગયો. એકબે જણ વાતો કરવા જતા હતા પણ ત્યાં તો મેં ચૂપકીની નિશાની આપી ને તેઓ ચૂપ થઈ ગયા.

મેં મહારાજને વિનંતી કરી કહ્યું: “કંઈક સહેલી વાત કરો તો તેઓ સમજશે.”

એમ તો સ્વામીજી સરલ હતા. તેઓએ હિંદુ ધર્મ અને તેના ગ્રંથો અને તેમાં શું આવે છે તેની વાત ઉપાડી. પણ તેમાં યે છોકરાઓને રસ ન આવ્યો.