પૃષ્ઠ:Divasvapna.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૧]


મેળાવડો પૂરા થયો અને સૌ સૌને ઠેકાણે જતા હતા. ઉપરી સાહેબની છાતી ફૂલી ગઈ હતી.

તેમણે મને મોટા સાહેબ પાસે બેલાવ્યો ને મારું એાળખાણ કરાવ્યું, અને હું અખતરા કરું છું તેની તેમને વાત કરી. સાહેબે મારી સાથે હાથ મેળવી કહ્યું: “Bravo! You are success! Go on with your experiments. This is something! Rest is sham and bosh !” [૧]

ઉપરી સાહેબના મનમાં શું થતું હશે !

* * *

હું ઘેર ગયો. ખરેખર આજે હું આનંદમાં હતો. સાહેબે હાથ મેળવ્યા ને સાબાશી આપી તે એક કારણ ખરું; પણ ખરું કારણ તો મારા અખતરાની આજે કંઈક કિંમત થઈ તે હતું. પણ હું વિચાર કરતો હતોઃ “સાહેબ તો પોલિટિકલ અમલદાર છે; તેમને આ નવી નિશાળ ને એ બધી વાતની શી ખબર !” પણ મને પછી ખબર પડી કે તેમના દીકરાને યૂરોપની કોઈ નવીનમાં નવીન શાળામાં તેમણે ભણવા મૂક્યો છે, અને તેથી પોતે નવી કેળવણીમાં રસ લે છે.

રાત્રે બેચાર શિક્ષકો મળવા આવેલા, તેઓ સાહેબે શું કહ્યું વગેરેની પૂછપરછ કરતા હતા ત્યાં જ ઉપરી સાહેબની ચિઠ્ઠી આવી ને હું તેમને ત્યાં ગયો.

સાહેબ આજે પ્રસન્ન હતા. આજે મોટા સાહેબ શાળાથી ખુશ થયા હતા. ઉપરી સાહેબે મને ખુરશી આપી; ને પોતે આરામ ખુરશી પર લાંબા થયા ને બોલ્યાઃ “પહેલાં મને એ કહો કે છોકરાઓને નાટકમાંથી કાંઈ જ ગોખાવ્યું ન હતું?”


  1. સાબાશ ! તમારું કામ આબાદ છે ! આવા અખતરા હજુ કર્યા કરો. આમાં જ કંઈક કેળવણી છે. બીજુ બધું નિરૂપયેાગી-ઢોંગ છે!