પૃષ્ઠ:Divasvapna.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૨]


મેં કહ્યું: “આપને એમ લાગ્યું !”

ઉપરી સાહેબ: “ના; પણ એ બધું યાદ શી રીતે રહ્યું ! બધા બરાબર બોલતા હતા.”

મેં કહ્યું: “વાત જ એ છે એમને વાર્તા સંભળાવી હતી. વાર્તા ગમતી હતી. વાર્તાનાં પાત્રોના મનોભાવ સાથે તેમણે એકતારપણું અનુભવ્યું હતું. જે બધું તેઓએ સાચે જ પોતાનું કર્યું હતું તે તેઓ પ્રગટ કરતા હતા.”

ઉપરી સાહેબ: “પણ હાવભાવ કોણે શીખવ્યા ?"

મેં કહ્યું: “એમ તો કોઈ એ બતાવ્યા નથી. અમે દર અઠવાડિયે નાટકો કરીએ છીએ. તેમાં હું પોતે ઊતરું છું ને છોકરાઓ પણ ઊતરે છે. મને આવડે છે તેવો મારા પાત્રમાં હાવભાવ હું કરું છું. છોકરાઓ પણ પોતાનાં પાત્રોના હાવભાવ કરે છે.”

ઉપરી સાહેબ: “પણ એ કેમ બને ? મને નથી સમજાતું.”

મે કહ્યું: “એમની આંખ ખુલ્લી છે ને ! તેઓ દરજી, સુતાર, કુંભાર, ઉંદર વગેરેને જુએ છે - સાંભળે છે. વાર્તામાં તેમનું વર્ણન આવે છે તે સાંભળે છે. ઉપરાંત તેમને ઈશ્વરે કલ્પનાશક્તિ આપેલી છે. આથી તેઓ અનુભવ અને કલ્પના મેળવી તેઓને મનમાં સૂઝે છે તેમ અભિનય કરે છે. તેઓજ પોતાના પરીક્ષક છે, અનુભવ અને કલ્પના રંગભૂમિ ઉપર ઊતરે છે કે નહિ તે તેઓ જોતા હશે.”

ઉપરી સાહેબ: “અરે,આ તો બહુ ઊંચી ને અઘરી વાત થઈ.”

મેં કહ્યું: “પણ છોકરાઓને ક્યાં આ વાત સમજવાની હોય છે ! આ તો તેઓ જે કરે છે તે કેમ કરે છે તેનું પૃથક્કરણ છે.”

ઉપરી સાહેબ: “હં, I see (સમજ્યો). એ તો ઠીક, પણ આજ તો કમાલ કરી. મોટા સાહેબ ખુશ થયા.”