પૃષ્ઠ:Divasvapna.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૨)

એક શિક્ષણશાસ્ત્રી પણ છે. ગુજરાતે તેમને એક સદ્ધર શિક્ષણશાસ્ત્રી તરીકે જાણ્યા છે, પણ હજુ પિછાન્યા નથી. તેમની પાસે આવીને મૉન્ટેસોરી પદ્ધતિનાં તત્ત્વ અને વ્યવહારનું શિક્ષણ લઈ જનારાં ગુજરાત-કાઠિયાવાડનાં શિક્ષક ભાઈબહેનો સિવાય બીજા થોડાક જ લોકોને તેમનો એક સરસ શિક્ષણશાસ્ત્રી તરીકેનો પરિચય છે. તેમણે શિક્ષણશાસ્ત્ર ઉપર લખ્યું છે; પણ તેમના લખાણને પ્રાથમિક શિક્ષણના પ્રદેશ પૂરતો નિચોડ આપવાનો જે કોઈ રસિક અને સુંદર પ્રયત્ન આજ દિવસ સુધી થયો હોય તો તે તેમનું આ 'દિવાસ્વપ્ન' છે.

આ પુસ્તકનું નામ ગિજુભાઈએ 'દિવાસ્વપન' રાખ્યું છે. એ નામનો અર્થ તો એટલો છે કે આ પુસ્તકમાં જે જે વસ્તુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે બધું ય આજના પ્રાથમિક શાળાના શિક્ષકનું દિવાસ્વપ્ન બને. ગિજુભાઈને માટે એ દિવાસ્વપ્ન નથી રહ્યું. તેમણે કોઈ પ્રાથમિક શાળા ચલાવી ન હોય પરંતુ બાલશિક્ષણની બાબતમાં શિક્ષણપદ્ધતિના જે અટલ નિયમોનો અમલ તેઓ આજે પોતાના બાલમંદિરમાં કરી રહ્યા છે તે નિયમોને પ્રાથમિક શાળામાં બંધ બેસતા કેમ કરી શકાય એ સંબંધોનો પોતાનો વ્યવહારુ વિચાર તેમણે આ પુસ્તકમાં રજૂ કર્યો છે. ગુજરાત-કાઠિયાવાડના પ્રાથમિક શાળાના શિક્ષકો આ દિવાસ્વપ્નને પોતાનું બનાવે તો સ્વપ્નનો સાક્ષાત્કાર કરવાની ઝંખના તેમના અંતરમાં ખડી થાય તેવું એ મીઠું ને મધુર દિવાસ્વપ્ન છે.

આજની પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તે શિક્ષણની પદ્ધતિઓ બાળકોને નુકસાન કરનારી છે. આજના શિક્ષણનું માપ પરીક્ષાઓ, ઇનામ અને હરીફાઈથી કાઢવામાં આવે છે. આજનાં શિક્ષણનાં પરિણામો વેરઝેર, મારામારી, અશાંતિ અને અવ્યવસ્થામાં આવે છે. એ બધાનો અત્યંત મનોહર ચિતાર આ વાર્તામાં આપણને મળે છે, પરંતુ લેખક એ બાબતોનો કરૂણ ચિતાર