પૃષ્ઠ:Divasvapna.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૦ ]


એકે કવિતા ગાઈ પછીનાએ તેના છેલ્લા અક્ષર ઉપર બીજી ગાઈ. એમ આખું વર્તુળ પૂરું થયું. વળી પાછી અંતકડી ચાલી.

ઉપરી સાહેબ કહે: “ સામસામે કેમ ગોઠવ્યા નથી ? મંડળી જોઈએ ને ?”

મેં કહ્યું: “ના જી, મેં તે કાઢી નાખેલું છે. એમાં હારજીત આવે છે. એમાંથી સ્પર્ધા અને ઈર્ષા જન્મે છે. આમાં એકને ન આવડે તો તેની પછીનો ઉપાડે છે ને કામ આગળ ચાલે છે. એક વાર કદાચ નથી સૂઝતું તો બીજી વાર આવડે છે."

ઉપરી સાહેબે દાઢી ખંજવાળી આંખો મટમટાવી.

છોકરાઓને બેસાર્યા હતા તો થોડી વાર રમવા; પણ તેમને તો ખૂબ મજા આવી ગઈ એટલે તેઓને તો ઘંટડી વાગી પણ ઊઠવું ગમે નહિ. મેં થોડી મિનિટ વધારે આપીને પડદો પાડયો.

મે પડદા બહાર આવી કહ્યું: “આપ જોશો કે પાઠયપુસ્તકની અંદરની કેટલી બધી કાવ્યપંક્તિઓ તેમને બરાબર યાદ છે. કવિતાના વર્ગમાં આ રમત હું રોજ ચલાવતો આવ્યો છું.”

ઉપરી સાહેબે કહ્યું: “Hear, Hear! (સાંભળો, સાંભળો !)” પાછો પડદો ઊઘડયો. વર્તુળમાં સૌ વરતઉખાણા નાખતા હતા. ભારે ઉત્સાહ હતો.

ઉપરી સાહેબ: “એાહો ! આ તો વરતો ને ઉખાણા ! મેં નાનપણમાં સાંભળેલાં, પણ તે અભ્યાસક્રમમાં કયાં છે ?”

મે કહ્યું: “ જી, અભ્યાસક્રમમાં ભાષાશિક્ષણ છે. અભ્યાસક્રમ પાછળ જિજ્ઞાસા, વિકાસ અને જ્ઞાનવૃદ્ધિ છે. વળી આ છોકરાઓ। તો આ રમત પર ગાંડા છે. કેટલાં બધાં વરતો તેમને આવડે છે ! ને દરેક વરતમાં કેટલું મહત્ત્વ છે ! આજે તે અભ્યાસક્રમમાં નથી છતાં તે મેં લીધાં છે; પણ મને આશા છે કે આવતા વર્ષમાં આ૫ એને અભ્યાસક્રમમાં સ્થાન આપશો."