પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સાચો સપૂત


રાજમહેલમાં રાણી એક દિવસ બેઠેલી. એની આંખોમાંથી આંસુ ચાલ્યાં જતાં હતાં.

રાજાજી આવી ચડ્યા. પૂછ્યું કે, "રાણીજી, રોવું શીદ આવે છે?"

રાણી બોલ્યાં : "જુઓ, સામેના ગોખલામાં ચકલા-ચકલીનો માળો જોયો? એ માળામાં બે બચ્ચાં છે. ચકલો બેઠો બેઠો જોયા કરે છે."

રાજા પૂછે છે: "એ ચકલી બચ્ચાંને શા માટે મારે છે?"

રાણી બોલ્યાં: "ચકલાંની સગી મા મરી ગઇ છે. આ ચકલી તો એની નવી મા છે."

"તેથી તમને શું થયું?"

રાણી કહે:"રાજાજી, હું મરી જઇશ, પછી મારાં બચ્ચાંની પણ આવી દશા થશે, એવું મનમાં થાય છે; માટે મને રડવું આવ્યું."

રાજા કહે: "ઘેલી રાણી! એવું તે કંઇ બને? હું શું એ ચકલા જેવો નિર્દય છું?"

રાણી કહે: "રાજાજી, વાત કરવી સહેલી છે."

રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે 'ફરીવાર કદી હું પરણીશ જ નહિ.'

રાણી માંદાં પડ્યાં. મરવું હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે કે, "તમારો કોલ સંભારજો હો! મારાં કુંવરકુંવરીની સંભાળ રાખજો." એટલું બોલીને રાણી મરી ગયાં.

રાજાએ પંદર દિવસ શોક પાળ્યો. મોટાં મોટાં રાજની કુંવરીઓનાં કહેણ આવ્યાં. રાજાજીએ પરણી લીધું.

નવી મા ઘરમાં આવી. રાણી રાજાના કાન ભંભેરવા લાગી. રાજાજી તો પોતાનું વચન વીસરી ગયા. કુંવર અને કુંવરીનાં દુઃખનો પાર ન રહ્યો.

ભાઇ-બહેન જ્યારે બહુ જ મુંઝાયા ત્યારે શું કરે? રાજમહેલમાં એનો એક રખેવાળ હતો; એનું નામ ભૈરવ. ભાઇ-બહેન એ ભૈરવભાઇની પાસે જઇને બેસે અને આંસુ ખેરે.

રાણીએ રાજાના કાન ભંભેર્યા. બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઇ. કુંવર-કુંવરીને છાતીએ ચાંપીને ભૈરવ ખૂબ રોયો. પછી ચાલી નીકળ્યો.

એમ કરતાં થોડાંક વરસો વીત્યાં.