લખાણ પર જાઓ

પૃષ્ઠ:Doshimani Vato.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીભ વાઘરી વાડે જાય: દિલ ક્ષુદ્ર (વાઘરીઓના જેવું) બની જાય.

ઢોલ ઢમકે પાણી: મારવાડ દેશ; મારવાડના કૂવાઓ અત્યંત ઊંડા હોવાથી કોસ ચલાવનાર આદમીને એટલો બધે દૂર બળદ હાંકી જવું પડે છે કે એક માણસ કૂવે ઊભો રહીને, જ્યારે કોસ નીકળે ત્યારે ઢોલ વગાડે તો જ કોસ હાંકનારને પાછા વળવાની ખબર પડે.

થાળીનો ઘા કર્યો હોય તો ધરતી માથે ન પડે: લોકોની અતિશય ગીરદી સૂચવનારા શબ્દો - એટલી બધી ભીડાભીડ કે થાળીનેય નીચે પડવાની જગ્યા નહિ.

બાર બાર મૂઠ્ય કેફના તોરા ચડ્યા: અફીણ ખાવાથી સારી પેઠે મસ્તી ચડી ગઈ.

રૂંઝયું ફુંઝ્યું વળે છે: સૂર્યાસ્તનાં અજવાળાં સંકેલાતા જાય છે.

વિધાતાનાં લેખમાં મેખ મારી: વિધિનાં નિર્માણ મિથ્યા કર્યા.

સગો હાથ ન દેખાય એવી અંધારી રાત: માણસ પોતાના હાથને પણ ન જોઇ શકે, એ અંધકારની અતિશય ગાઢતા બતાવે છે.

સમી સાંજે સોપો પડી ગયો: કેમ જાણે મોડી રાત થઈ હોય ને માણસો સૂઇ ગયાં હોય તેવો સૂનકાર વ્યાપી ગયો.

સવામણની તળાઈમાં સૂઇ રહેવું: નિશ્ચિંત રહેવું.

સંજવારીમાં સાચાં મોતી વળાય: સમૃદ્ધિ બતાવે છે.

(બાવાનો જીવ) સાતમી ભોમકાને માથે: સમાધિ ચડાવી બાવાએ ધ્યાન ધર્યું.

સાંસો ખાલ્ય મેલે એવી ઝાડી: ઝાડી એવી ગીચ કે સસલું પણ અંદર પેસવા જાય તો એની ચામડી ઊતરડાઈ જુદી પડી જાય.

સોનાનાં નળિયાં થવાં: પ્રભાતના તડકા ચડી જવા. (તડકામાં નળિયાં સોનેરી દેખાય છે.)