પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
દ્વિરેફની વાતો


વનરાવનદાસને કાગળ લખી આ આખી બાબત પોતાના હાથમાં છે, તેની પોતે યેાગ્ય વ્યવસ્થા કરશે, અને કશી પણ ચિંતા ન કરજો, એમ આશ્વાસન આપ્યું.

રતિલાલે સરસ્વતીને માલૂમ ન પડે એવી રીતે તેની પ્રસૂતિનો બધો ખર્ચ આપવા જગુભાઈને ખાનગીમાં કહ્યું, પણ તેણે તે સ્વીકાર્યું નહિ, અને સરસ્વતીને આંગળીચીંધામણ ન થાય માટે તેને વહેલી જ પાસેના શહેરમાં એક સારા ખાનગી પ્રસૂતિગૃહમાં મોકલી. તેણે પૂરે સમયે ત્યાં એક પુત્રને જન્મ આપ્યો.

પંદરમે દિવસે જગુભાઈ તે શહેર ગયા. સાથે એક દાક્તરને લઈ ગયા હતા. તેની પાસે પેલી અન્ડરહિલ રક્તપરીક્ષા માટે તેમણે પોતાનું લેાહી કઢાવ્યું અને પછી દાક્તરને લઈ તે પ્રસૂતિગૃહમાં ગયા અને સરસ્વતીને મળ્યા. તેની તબિયત પૂછી તેનો પ્રથમનો સંકોચ હરી લીધો. એમ છતાં પણ સરસ્વતી તેની સાથે સ્વસ્થ થઈ વાત કરી શકતી નહોતી. જગુભાઈએ છોકરો કેમ છે, કેવો છે, એમ પૂછ્યું ત્યારે સરસ્વતી જરા ઉત્સાહમાં આવી છોકરાનાં વખાણ કરવા લાગી. તેણે કહ્યું કે બધી નર્સો કહે છે કે તેના જેવું તંદુરસ્ત છોકરું તેમણે જોયું નથી. નિયમિત ઊંઘે છે અને બધી બાબતમાં નિયમિત છે. વિશેષ પૂછતાં તેણે કહ્યું કે અત્યારે ઊંઘે છે, થોડી વારમાં જાગશે. જગુભાઇએ જોવા ઇચ્છા દર્શાવી ત્યારે તો સરસ્વતી ઘણી જ ઉત્સાહમાં આવી તેને જોવા લઈ ગઈ. ત્યાં પહોંચતાં જ બાળકે ધીમે રહી નાની સુંદર સ્વચ્છ ડૉળ વિનાની આંખો ઉઘાડી, જગુભાઈએ કહ્યું, “સારું થયું જાગ્યો તે. ભૂખ્યો હશે નહિ ? અમે પાસેના ઓરડામાં છીએ ત્યાં તમે થોડી વાર રહીને તેને લઈ આવો.’

થોડીવારે સરસ્વતી છોકરાને હાથમાં લઈ બહુ જ હર્ષભેર આવી અને ખાટલા પર બેઠી, જગુભાઈએ બહુ જ ધીમે રહીને વાત શરૂ