પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
જગજીવનનું ધ્યેય.


“ત્યારે બાપુ, મારે વિશે આપ ‘નવજીવન’માં ન લખો કે હું નિર્દોષ છું ? આપના લખાણથી આપના અનુયાયી વર્ગમાં અને શિષ્ટ સમાજમાં હું પાછો મારી પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરી શકીશ.”

“હા. તમારો એવો જ આગ્રહ હોય તો હું ‘નવજીવન’માં પણ લખું, કારણકે ‘નવજીવન’ ઉપર પણ ઘણા કાગળો આ બાબતમાં આવેલા છે. પણ હવે સરસ્વતીનું શું કરવું? તમે કહેતા હતા કે તેને મળતાં તમને આકર્ષણ તો થાય છે. તો તમે તેને પરણી લઈ ન શકો?”

“પણ બાપુ, મારી પ્રતિજ્ઞા ?”

“પણ માજીની સેવા એ કરશે એવી તો તમે પણ નહિ કરી શકો.”

“પણ તો તો પછી બધા એમ જ માને કે હું જ આ કૃત્યને માટે જવાબદાર છું. હું તો આ પછી અન્ડરહિલ પદ્ધતિ પ્રમાણે ગમે તેટલે ખરચે પરીક્ષા કરાવીશ, અને એ ડૉક્ટર અને તેનાં ઝેરીલાં પેપરોનાં મોઢાં બંધ કરીશ. એ પદ્ધતિના શોધક ડોક્ટર પાસે જ પરીક્ષા કરાવીશ.

મહાત્માજીએ નિ:શ્વાસ નાંખ્યો. જગુભાઈને વિદાય આપી સરસ્વતીને બોલાવી, તે નજીક આવી પણ ન શકી, દૂર ફસડાઈ પડ્યાની પેઠે બેઠી અને ત્યાં રહીને જ તે પગે લાગી. મહાત્માજીએ પૂછ્યું તેના જવાબમાં તેણે સ્પષ્ટ કહ્યું કે જગુભાઈ નિર્દોષ છે, પોતાનો જ દોષ હતો અને રતિભાઈના સંસર્ગનું આ પરિણામ હતું. વિશેષ પૂછતાં તેણે માબાપને ત્યાં જવાની કે મહાત્માજી પાસે આશ્રમમાં રહેવાની ના પાડી, અને જગુભાઈની સલાહ પ્રમાણે એક નજીકના બીજા શહેરના એક પ્રસૂતિગૃહમાં રહેવા ઇચ્છા દર્શાવી. મહાત્માજીએ તેની સંભાળ માટે જગુભાઈને જ ભલામણ કરી બંનેને વિદાય કર્યા.