પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
દ્વિરેફની વાતો.


થોડી વારે તેણે પોતાના છોકરાની ચીસ સાંભળી અને અસહ્ય વેદનાથી તેણે પણ એક ચીસ પાડી. તેને સ્પષ્ટ દેખાયું કે તે પોતે સહાય અનાથ હતી અને તેણે એક અનાથ બાળકને જન્મ આપ્યો હતો. આ અનાથતામાં તે ફરી પોતાની ચીસો દબાવી થોડી વાર પડી રહી. પણ છોકરાની વધારે ચીસો સાંભળતાં તે એકદમ બારણા તરફ દોડી. છોકરાની ચીસો ઓછી થઈ ગઈ હતી અને દાક્તર તેને હાથમાં લઈ તેના તરફ જ આવતો હતો. એકદમ છોકરાને પોતાના હાથમાં લઈ તે પથારી તરફ દોડી અને તેને ધવરાવવા લાગી, છોકરો તરત રોતો રહી ગયો. તેની જે આંગળીમાંથી લોહી કાઢ્યું હતું તે આંગળી તેણે જોઈ. પોતાના મોંમાં મૂકી, ચાટી, ફરી એ, તેના પર ક્ષતની જરા સરખી પણ નિશાની નહોતી. એટલી વારમાં એ ઘા રુઝાઈ ગયો હતો. પણ તેની માના મન પર પડેલો એ ઘા ક્યારે રુઝાશે તે કોણ કહી શકે? જગુભાઈ અને દાક્તર પાછા ગયા.

રાતે સરસ્વતીને સ્વપ્નું આવ્યું. જાણે જગજીવને પોતાના હાથમાં એક બળતો અંગારો લીધો છે. ગલોફાં ફાટી જાય એટલાં ફુલાવીને તે પેલા અંગારાને ફૂંક મારે છે. બળતા અંગારાનું લાલ અજવાળું તેના મોં પર પડે છે, અને તેની ઉપસેલી રગોવાળું મોં ભયંકર લાલ દેખાય છે ને આંખો ફાટી ગયેલી વિકરાળ દેખાય છે. એ અંગારાને ફૂંકતો ફૂંકતો પાસે આવે છે અને તેના છોકરાને ચાંપવા જાય છે, પોતે આડા હાથ દે છે અને જાણે અંગારો તેને હાથે ચંપાય છે. એ ચંપાતાં તે ચમકીને જાગી ગઈ. ભયમાં ને ભ્રમમાં તે બૂમ પણ પાડી શકી નહિ. સફાળી ઊઠી તેણે ઘોડિયામાંથી છોકરાને લીધો. છોકરો તદ્દન સ્વસ્થ ઊંઘતો હતો તેને અનેકવાર બચી કરી પડખામાં લઈ ધવરાવી તે કેટલીય વાર જાગતી જ પડી રહી. અને છેવટે થાકીને ઉંઘી ગઈ.

જગજીવન પ્રસૂતિગૃહમાંથી બન્નેની તંદુરસ્તીના સમાચાર મગાવતો