પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
ઉત્તર માર્ગનો લોપ.


એણે કહ્યું, “મને તો ભય લાગ્યો છે કંઈ ! હજી મારી છાતી ધબક્યા કરે છે.”

હરકાન્તે કહ્યું: “પુરાણકારની વાત એક નહિ તો બીજી રીતે પણ સાચી તો ખરી જ. છેલ્લો દિવસ વધારે સાચવવા જેવો છે !”

અને એ છેલ્લો દિવસ, છેલ્લી રાત, પૂરેપૂરી સચવાઈ ગઈ. બીજે દિવસે હવે છેલ્લી વિધિ કરવાની હતી.

આ પ્રસંગને માટેના ખાસ મોટા કોડિયામાં દીવો કરી દેવીગ્રામનાં બાળકોને અને તેમને સાચવવા જરૂરનાં હોય તેટલાંને ગ્રામમાં રાખી બધાં દેવીભક્તોને, સ્ત્રી-પુરુષો બધાંને, વહાણમાં બેસી દરિયામાં જ્લામુખીના ખડકનાં દર્શન કરી, ખડકની પ્રદક્ષિણા કરી પાછાં આવવાનું હતું. જ્લામુખીના ખડક ઉપર ત્રિશૂલનું નિશાન છે એટલું જ સામાન્ય રીતે બધાની જાણમાં હતું, પણ તે સિવાય, આવી પ્રદક્ષિણા કરવાનો પ્રસંગ એટલે લાંબે અંતરે આવતો કે ત્યાં કેમ જવું, વહાણ ક્યાંથી ક્યાં લઈ જવું તેની માહિતી હોય એવો દેવીભક્ત કે ખારવો પણ જવલ્લે જ મળતો. આ પ્રસંગે માત્ર એક જ ખારવો પરંપરાથી કંઈક જાણતો હતો, અને તે પણ ઘડપણથી આંધળો થઈ ગયો હતો. તેને પૂછીને ખારવાઓએ વહાણ હંકારવાનું નક્કી કર્યું.

આજે શ્રાવણ માસની સુદ નોમ હતી. તે જ દિવસે સવારથી ગ્રામમાંથી નીકળે તો ખડકે પહોંચે ત્યારે જ્વાલામુખીનું ત્રિશૂલ દેખી શકાય એમ મનાતું. નહિતર તો દરિયાના પાણીમાં ઢંકાઈ ગયું હોય. વહાણ સિન્ધુનદીના પૂરમાં સડસડાટ ચાલવા માંડ્યું. વહાણ આખું દેવીભક્તોથી ચિકાર ભરાયેલું હતું. બધાં માણસો વહાણના ગર્ભભાગમાંજ ભંડકિયામાં જ હતાં. ચન્દ્રલેખા અને હરકાન્તને માટે બધાથી ઉપર ખાસ બે જુદાં પાટિયાં નાંખી આપેલ હતાં, તેમાં કૂવાથંભને અડોઅડ હરકાન્ત બેઠેલો હતા. સિન્ધુમાં વહાણની ગતિ