પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
દ્વિરેફની વાતો.


જોઈ સર્વ ભક્તો હર્ષમાં આવી ગયાં હતાં. દૂરનાં તટો ઇન્દ્રજાલનાં દૃશ્યોની પેઠે વેગબંધ પસાર થતાં હતાં. સ્થલ પશુ સમયની પેઠે જરા પણ ઘર્ષણ કે અવાજ વિના પસાર થતું હતું. પ્રસંગના, અને વેગના માદક હર્ષથી સર્વ ભક્તો હર્ષમાં આવી ગાતાં હતાં, વાતો કરતાં હતાં, કોઈ સ્તબ્ધ બેઠાં હતાં. સુકાન પાસે બેઠેલો પૌરાણિક આજે અનન્ય ઉત્સાહમાં હતો. જીવનભર સેવેલી ઇચ્છા પૂર્ણ થવાની ખુશાલીમાં તેનો હર્ષ માતો ન હતો.

એટલામાં સિન્ધુનું મુખ આવ્યું. સામે દરિયો મોટાં મોજાંથી ઊછળી રહ્યો હતો, તેના ધુઘવાટથી જ જાણે ભક્તોનાં ભજનો બંધ થઈ ગયાં ! નદી અને સાગર, બન્ને સિન્ધુઓનો સંગમ, જાણે આખા વિશ્વને ચલાયમાન કરતો હતો. દૂરની ભૂમિ, નીચેનું પાણી કે ઉપરનું આકાશ કશું જ સ્થિર દેખાતું નહોતું. એટલામાં ઓચિંતુ વરસાદ સાથે તોફાન શરૂ થયું. ખારવા પણ માંડ દેખી શકે એવો ઘટ્ટ વરસાદ વરસવા માંડ્યો. ભક્તો તો ઘણાંખરાં અર્ધાં બેભાન પડ્યાં હતાં. તે વખતે પણ ચંદ્રલેખા પોતાના પાટિયા પર સ્થિર બેઠી હતી. હરકાન્ત તોફાન જોવાના કુતૂહલે કૂવાથંભને ઝાલીને ઊભો થયો. એટલામાં ખારવાઓ એકદમ બૂમો પાડવા માંડ્યા, અને સઢ સંકેલવાની દોડાદોડ થઈ રહી. સમુદ્રના મોટા લોઢને લીધે વહાણ ડામાડોળ થવા માંડ્યું. ત્યાં મુખ્ય ટંડેલે દૂર સમુદ્રની ઘૂમરી જોઇ. એ ઘૂમરી ડાબી રહેવી જોઈએ તેને બદલે જમણી દેખાઈ, અને તેનાથી દૂર રહી જવા જેટલી જગા રહી નહોતી એમ તેણે જોયું. ને બધાંને તેણે બૂમ પાડી કહ્યું કે વહાણ નહિ બચે. આ સાંભળતાં હરકાન્તે એકદમ ચન્દ્રલેખાને પાસે આવવા કહ્યું. ચન્દ્રલેખા લથડતી ઊભી થઈ હરકાન્તના પાટિયા પાસે આવી, તેને હરકાન્તે પકડી ઊભી કરી અને ડોલતા વહાણમાં એકદમ બાથમાં લઈ તેના નજીક આવેલા મુખ પર બહારના તોફાન કરતાં પણ વધારે તોફાની ચુંબનોની ઝડી વરસાવી—જાણે કે કેટલાય ભવનાં દંપતી ન હોય !