પછી ફરી જિનદાસને જોયો, તેની સાથે વાતચીત કરી, પણ તેને મોટો થવા દેવો જોઈએ કહી ફરી વિહારે ગયા.
અત્યાર સુધી વિમલશીલ સાધારણ જવાબોથી માગાં કરનારાને પાછા વાળી શક્યો હતો, પણ નગરશેઠના ઘરનું માગું એટલી સહેલી રીતે પાછું વળાય એમ નહોતું. ગામ આખામાં વાત થતી હતી કે વિમલશીલ માગાં પાછાં વાળે છે તેનું કારણ એ હતું કે તેમને નગરશેઠનું કહેણ છે. અને તેમાં લોકોનો દોષ પણ નહોતો. નગરશેઠની એકની એક દીકરી, જિનદાસથી ચારેક વરસ નાની હતી. જિનદાસની જ નિશાળે જતી. કોઈની પણ યોજના વિના બન્નેની વચ્ચે સ્વાભાવિક બાલોચિત પ્રીતિ થઈ હતી, અને બન્નેને જોઈ હરકોઈ કહી શકે કે ભગવાને સુંદર જોડું નિર્મ્યું છે. જિનદાસની પણ એવડી ઉંમર થઈ હતી કે તે લોકોની વાયકાનો અર્થ મભમ પણ સમજી શકે અને તેનું કૌતુક અનુભવે. અને તેથી એ વાત ચોક્કસ ફરવાની જરૂર હતી.
નગરશેઠ પોતે વિમલશીલને ત્યાં આવ્યા. પોતે અત્યાર સુધી પોતાની પદવી માટે વિમલશીલના આભારી હતા. બન્ને બાળકો એક બીજાને લાયક હતાં, તો ના પાડવાનું કારણ જાણવા જેટલો પોતાને હક છે અને જાણ્યા વિના નહિ ખસું એવો મીઠો હઠ કરી બેઠા. વિમલશેઠે જીનદાસને બહાર જવા નિશાની કરી અને પછી તપોવિજયજીએ કહેલ બધી વાત કરી. જિનદાસનો વર્ણ તપ્તકાંચન જેવો હશે એ આચાર્યંજીએ જોયા વિના જ ભાખેલું હતું. જિનદાસના ગ્રહો એવા છે કે જો તે દીક્ષા ગ્રહણ કરે તો જિનશાસનના પ્રતાપી ધારક થાય, જો કે એક ગ્રહની વક્ર દૃષ્ટિ છે તેથી રાહ જોવાની જરૂર છે. નગરશેઠ સમજ્યા. તેમણે કહ્યું : “જો દીક્ષાની ના કરે તો મારો જ રૂપિયો સ્વીકારો.” અને વિમલશીલે કહ્યું : “એ કબૂલ. અને તેમ છતાં તે પહેલાં સારો મૂરતિયો મળે તો સંબંધ કરવાને તમે છૂટા. દીકરીનાં માવતરથી ક્યાં સુધી રાહ જોવાય?”