કરવા “સ્વામીજી” એટલું કહે છે એટલામાં સ્વામીએ કહ્યુંઃ “તારા દેખતાં જ મેં એ મંત્ર વિસર્જન કર્યો.”* [૧]
“વિસર્જન કર્યો ?”
“હા. અને બચ્ચા, મારું માન તો એ માર્ગે ન જતો. એ નાશનો માર્ગ છે.”
“પણ સ્વામીજી, મારા જીવનનું એ એક મહાન ધ્યેય છે !” સ્વામીએ પેાતાનું આખું પૂર્વજીવન કહ્યું અને છેવટે કહ્યું : “માણસે માણસની શક્તિથી જ કામ કરવું જોઈએ. પોતે દિવ્ય થયા વિના દિવ્ય શક્તિ નહિ લેવી જોઈ એ.”
“પણ આપે કેમ જાણ્યું કે હું પણ એ શક્તિનો દુરુપયોગ કરીશ જ? હું સંયમ કેમ જાણ્યું નહિ રાખી શકું ?”
“તું બાળક છે. પોતાના લાભ ઉપર સંયમ રાખવો સહેલો છે. બીજાનું ભૂંડું કરવાની વૃત્તિ ઉપર સંયમ રાખવો વધારે અઘરો છે.”
પણ પેલો સાંભળતો જ નહોતો. હવે તે નિરાશ થયો હતો. અને તે સાથે તેની ધીરજ અને કેશવરામ માટેનું આદરમાન સર્વ ચાલ્યાં ગયાં હતાં. તેણે કહ્યું : “કંઈ નહિ. કાશીમાં આપના ગુરુભાઈ છે તેમની પાસેથી હું મંત્ર લઈશ.” તે ચાલ્યો ગયો.
સચ્ચિદાનન્દ સરસ્વતી એક હાથ પાછળ મૂકી, તેના પર અઢેલી કેટલી ય વાર તેને જતો જોઈ રહ્યા. ઓલવાતા ધૂપની છેલ્લી પાતળી સેર થોડીવાર દેખાઈ વાતાવરણમાં અદૃશ્ય થઈ જાય, તેમ તેમના મનમાં ઊંડે વિચાર સ્ફુરી અદૃશ્ય થઈ ગયો : “એક દિવસ મેં પણ આમ જ
માનેલું હતું ! ”
- ↑ *આ મંત્ર વિસર્જન કર્યા પછી એ કોઈને આપી શકાતો નથી, અને તેનાથી કશી સિદ્ધિ પણ થતી નથી એવી માન્યતા છે.