પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
ઇન્દુ.


જગા મેળવવા થોડો વખત મુંબઈમાં રહેવું પડશે, કહી તેણે તરત મુંબઈ તરફ ઊપડવા વિચાર દર્શાવ્યો. બંને મુંબઈ ગયાં. કો જગાનું નક્કી થાય ત્યાં સુધીમાં મુંબઈની જાહેર સંસ્થાઓ એક પછી એક તેણે જોવા માંડી. જમના માત્ર તેનું કહ્યું કરવા ખાતર કોઈવાર સાથે જતી. કોઈ વાર તે એકલા જ જતો. ફરતાં ફરતાં તેણે પેલા અનાથાલયમાં જવાનું પૂછ્યું. જમનાએ જવાની સ્પષ્ટ ના પાડી. નરેન્દ્ર એકલો ગયો. પાછો આવ્યો ત્યારે તે ત્રણેક વર્ષના ઇન્દુને સાથે લઈ આવ્યો. ઘરમાં પેસતાં તેણે ધીમે સાદે જમનાને બોલાવીને કહ્યું: “જમના, તને પૂછ્યા વિના એક સાહસ કર્યું છે. તું ના નહિ પાડે એમ ધારીને આ છોકરાને અનાથાશ્રમમાંથી લઈ આવ્યો છું. તેનું નામ ઇન્દુ જ છે જાણી મને આપણા ઇન્દુના સ્મરણાર્થે તેને લાવવાનું મન થઇ ગયું. એક દિવસ માટે સાથે લઈ આવ્યો છું, જો મારી ખાતર તું તેને ઉછેરવા હા પાડે તો આપણે રાખી લઈએ."

જમનાએ હૃદયના અનેક ઊછળી આવતા ભાવો દબાવી પૂછ્યું: “પણ તમે કાંઈ તપાસ કરી ? તેનાં માબાપ કોણ ? તેના ઉપર કોઈનો હક્ક પહોંચે છે કે નહિ? કશી તપાસ કરી !”

“તેના ઉપર કોઈનો હક્ક નથી. તેની માનું નામ માત્ર ગંગા છે, એટલી નોંધ છે. વિશેષ કશું નથી. છોકરો મને સારો લાગ્યો, તને નથી લાગતો ?”

“લાગે છે” કહી જમનાએ તેને એકદમ બાથમાં લીધો. છોકરો પણ તરત તેની પાસે ગયો. તેને ઊંચકી લઈ તેને ઘણા જ હર્ષથી ચુંબન પણ કર્યું પણ પછી તરત જ તેને નરેન્દ્રને પાછો સોંપી તે ગંભીર થઈ ગઈ. ને પછી નરેન્દ્રને કહ્યું: “નરેન્દ્ર, ઘણા દિવસથી ન કરેલી મારે તમને એક વાત કરવી છે.”

“હવે વાત તો ગમે ત્યારે થશે. હમણાં છોકરાનું નક્કી કરી