પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
દ્વિરેફની વાતો

નાખ ને ? આપણે ક્યાંક હવાફેરે જઈશું પછી ત્યાં આપણે વાતો જ કરવાની છે ને ! ”

“નહિ, મારી વાત સાંભળો જ અને પછી આ છોકરાને રાખવા ન રાખવાનો તમે નિશ્ચય કરો. તે પહેલાં નહિ. તમારે પગે પડીને આટલું માગું છું.”

“તો એમ, કહે ત્યારે.”

જુઓ, તમે જેલમાં ગયા. આપણો ઇન્દુ ગુજરી ગયો. એક દિવસ હું રાત્રે ઘરમાં એકલી સૂતી સૂતી રડતી હતી. વીરેન્દ્રભાઈ આવ્યા. તેમના ખોળામાં મેં માથું નાંખ્યું...” દરેક વાક્યે તેના મોં પરની રેખાઓ દૃઢ થતી જતી હતી. કોઈ તહોમતદાર સૌના દેખતાં દેહાંતની સજા માટે જાતે જ દોરડું ગળામાં નાખે એવી દૃઢતાથી તે બોલતી હતી. નરેન્દ્રે એકદમ પાસે આવી તેને રોકી તેના મોં પર હાથ મૂક્યો: “હું બધું જાણું છું. મારા સમ કશું બોલ તો ! આટલો વખત આટલું બધું દુઃખ એકલાં ભોગવાય ? આટલા તપે તો ઈશ્વર પણ વશ થાય ! તને મારી દયા ન આવી ?”

“તમે કેમ જાણ્યું ?”

“તું જાણે છે ?—વીરેન્દ્ર ગુજરી ગયો. મેં તાર કરી પુછાવી જોયું તો તેના સોલિસીટરે ખબર આપ્યા કે તે મહિના પહેલાં ગુજરી ગયો!”

“અરે રામરામ ! એ પણ બિચારા બહુ દુઃખી થયા !”

“અને મરતાં પહેલાં લખી રાખેલો કાગળ તેમના સોલિસીટરે મને મોકલ્યો. તેમાં બધું લખેલું હતું !”

“મેં તમને નિરર્થક આટલા દુઃખી કર્યાં ” કહી તે નરેન્દ્રના ખભા પર માથું મૂકી ચોધાર આંસુએ રડી પડી, “તમે બન્ને મને મળ્યાં તેથી મને ગમે તેટલા દુઃખનું સાટું વળી ગયું છે” કહી તેણે જમનાને ખભે અને બરડે કેટલાય વખત સુધી પપાળ્યા કર્યું.