પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
દ્વિરેફની વાતો


સર્વત્ર પસરી રહેલી ! જગતનો પ્રલય પાણીથી થાય છે, ને સર્વ દેવોમાં વાયુ સૌથી બળવાન છે એ સર્વને પ્રત્યક્ષ થતું હતું !

ચોથે દિવસે સવારમાં વરસાદ કાંઈક ઓછો થતો લાગ્યો. કાનિયાના ઘરમાં, કંકુનાં માબાપના ઘરમાં, અંદર અંદર આપલે કરતાં પણ કેટલીક વસ્તુઓ ખૂટી હતી, કેટલીક ખૂટવા આવી હતી. કંકુનો બાપ અને કાનિયો ચીજો લેવા જવાનો વિચાર કરતા હતા, પણ કંકુએ હઠ કરી બાપને બેસાડી દીધો, ને કાનિયા સાથે રેંકડી લઈ નીકળી. બન્નેએ એકેક કોથળો ઓઢ્યો, અને બેત્રણ કોથળા સામાન ઢાંકવા રેંકડી નીચે બાંધી રાખ્યા. દાણા સિવાયનો પરચૂરણ સામાન તેમણે પહેલો લઈ લીધો, તેના પર કોથળા ઢાંક્યા, અને પછી બન્ને તેમના ઘરાક દાણાવાળાને ત્યાં દાણોદૂણી લેવા ઊપડ્યાં. એટલામાં જ પાછો ફરી ત્રમઝીક વરસાદ શરૂ થયો. દાણાવાળાને ત્યાં જઈ વરસાદ ધીમો પડે ત્યાંસુધી રહેવા વિચાર કરી બન્ને દાણાવાળાને ત્યાં ગયાં. પણ ત્યાં તો દાણાવાળાએ બન્નેને ઘડી થોભ્યા વિના તેને તે ઘડી નરોતમ શેઠને ઘેર જવા કહ્યું. “ઘર પડવા થયું છે, ને બાઈ ને વેણ ઊપડી છે, ઝટ જાઓ !” કાનિયો દાણાની ગૂણો પહોંચાડવા ત્યાં વારંવાર જતો. બન્નેને લાગ્યું કે ગયા વિના છૂટકો નથી. વરસતે મેયે બન્ને ગયાં, પણ ત્યાં તો કંઈ જુદો જ રંગ જામ્યો હતો.

આખી સાંકડી ગલ્લી ગાડીઓ ને રેંકડીઓથી સલોસલ ભરાઈ ગઈ હતી. માણસો દોડાદોડ કરતા હતા, સામાન ઉતાવળા ઉતાવળા મૂકતા હતા, એકબીજાને બૂમો પાડીને સામાન મૂક્યાની ને મૂકવાની વાત કહેતા હતા, છોકરાં રોતાં હતાં, ગાડીવાળા એકબીજાને સંભાળવાની, ગાડી હાંકવાની જગા કરવાની બૂમો પાડતા હતા, પણ જાણે આ અવાજ અને ગોટાળા પૂરા ન હોય તેમ માણસો અંદર અંદર લડતાં હતાં અને ગાળો દેતાં હતાં ! કાનિયો કંકુ તો આમાં કશું સમજ્યાં નહિ, અને લડનારા પણ એકબીજાનું સાંભળી શકતા