પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
દ્વિરેફની વાતો.


જેવું મળતાં મને ઉર્વશીએ પૂછ્યું: ‘તમને કંઈક આવાં જ કાવ્યો લખવાં બહુ ગમે છે?’ મેં કહ્યું: ‘મારું દુઃખ અસાધારણ છે. મારું દુઃખ કોઈ સમજી શકે એમ નથી.’ પણ આ દુ:ખ સમજવાની અનન્ય શક્તિ ઉર્વશીમાં હતી. તેણે પૂછ્યું: ‘પણ એવું શું છે? હું સમજી શકીશ.’ મેં કહ્યું: ‘મારું હૃદય પ્રેમથી ઊભરાઈ ગયું છે પણ તેને યોગ્ય કોઈ પાત્ર નથી.’ અને ખરેખર ઉર્વશી બધું સમજી ગઈ, તરત જ !

“હું બી. એ. પાસ થયો. એલએલ. બી. ની ટર્મ્સ ભરવા માંડ્યો, ક્યાંક નાની સરખી નોકરી લીધી, એક ઓરડીમાં રહ્યો, અને હવે ઉર્વશીને અભ્યાસ માટે સવારસાંજ લાંબો વખત મારી ઓરડીમાં બેસવાની જરૂર પડવા લાગી !

“અમને બન્નેને ધીમે ધીમે લાગવા માંડ્યું કે અમે બન્ને એક બાબતમાં સમાનધર્મી હતાં; અને તે અસાધારણતામાં ! અસાધારણતા એવી છે. મારી અસાધારણતાથી તેની અસાધારણતા જાગૃત થઈ. મને જેમ પ્રેમ ઘણો હતો પણ પ્રેમનું પાત્ર નહોતું, તેમ તેને પણ સમજાયું કે તેને પણ એમ જ હતું ! જેમ મારું દુ:ખ કોઈ સમજી શકે તેમ નહોતું, તેમ તેનું પણ નીકળ્યું ! જેમ હું બીજા બધાં માણસો કરતાં જુદા જ સ્વભાવનો હતો, તેમ તે પણ હતી ! અને પછી એ અસાધારણતાના સમાનધર્મથી અમને સમજાયું કે અમારામાં પ્રેમ ઉત્પન્ન થવા માંડ્યો છે ! અલબત મારાં અનેક દુઃખોમાં મોટામાં મોટું દુઃખ કે હું પરણ્યો હતો, તે મેં તેને કહેલું હતું, અને તેથી પછી અમે હવે પરણી શકીશું નહિ, આ કઠોર લાગણીહીન નિષ્ઠુર રૂઢિજડ સમાજ અમારો પ્રેમ સમજશે નહિ, અમને પરણવા દેશે નહિ, પરણીશું તો અમારા પર અનેક જાતના જુલમો કરશે, એમ પરણવાનાં અને નહિ પરણવાનાં અનેક દુઃખો