લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१२

રીતે બતાવતા હોતો નથી. એ બાબતમાં નટને થોડું સ્વાતંત્ર્ય મેં ઇષ્ટ માન્યું છે.

“સ્થલ કાઠિયાવાડ હોવા છતાં બોલી બધાને સમજાય તેવી ગુજરાતી રાખી છે, જો કે લહેકો કાઠિયાવાડી છે; પણ ગુજરાતના કોઈ પણ પ્રાંતની પ્રાંતિકતા તેમાં ઉતારવી હશે તો થોડા ફેરફારથી ઉતારી શકાશે. માત્ર એટલું કે વાક્યમાં વાક્યભાર અને ખાસ કરીને કાકુ બરાબર ઉચ્ચારાવાં જોઈએ. કોઈ પણ નાટક ભજવવામાં એ આવશ્યક છે, પણ અહીં તેનો વિશેષ ઉપયોગ કર્યો છે માટે ખાસ ધ્યાન ખેંચું છું.

“‘કિસ્સા’ ઉપરના ‘સર્વહક સ્વાધીન’ રાખ્યા છે પણ કર્તાને પ્રસંગ લખી જણાવવાથી ભજવવાની છૂટ મળી શકશે.

‘મેહિકલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ,’ ઉપરની સર્વ વાતો કરતાં જુદી શૈલીનું છે. એ મૂળ તો, બીજા લેખકો પણ વાર્તાના આ સ્વરૂપનો ઉપયોગ કરશે એવી આશાથી શરૂ કરેલું, અને એવી ટીપ[] વાર્તાને મથાળે મૂકી હતી. પણ


  1. ૧ મૂળ ટીપ આ પ્રમાણે હતી:
    “ આ વાર્તામાળામાં સહકાર આપવાને હું સર્વ વાર્તા–લેખકોને વિનંતી કરું છું. મારી ઉમેદ છે કે આ વાર્તાશૈલી, પોતાની વાર્તા ઉપર ટીકા કરવાને, આધુનિક વાર્તાકળાનાં વિશિષ્ટ લક્ષણો તરફ ધ્યાન ખેંચવાને, અનેક પ્રકારની વાર્તા–જેવીકે મોંએ કહેવાની, લખવાની, મુખ્યત્વે સંવાદાત્મક, લેખક વચમાં વચમાં બોલતો જતો હાય તેવી – કહેવાને, નવાં સામાજિક બળો વાર્તાકળાને કેવી અસર કરે છે વગેરે દર્શાવવાને પૂરતી તક આપે છે. વળી દરેક લેખકને, આ મંડળમાં મરજીમાં આવે તેવાં, જુદા જ સ્વભાવનાં પાત્રો મૂકી નવાં દૃષ્ટિબિન્દુઓ સ્ફુટ કરવાની છૂટ રહે છે. અમે આશા રાખીએ છીએ કે આપણા સાહિત્યના સિદ્ધહસ્ત લેખકો તેમજ વાર્તાપ્રયોગો કરનારા લેખકો આમાં સહકાર આપશે. દરેકનો પોતાના લેખ ઉપર હક રહેશે.”