લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
११

આ કિસ્સાનું સ્વરૂપ છે. એ આઘાત નાતની દૃષ્ટિએ સખ્તમાં સખ્ત હોવો જોઈએ એટલા માટે નાતની ઇષ્ટદેવીનું મંદિર, ઢેઢ કે જે નાતની શ્રેણીને સામેને છેડે છે, તેના સ્પર્શથી અભડાવાથી થાય છે એવો પ્રસંગ છે. આ રીતે અસ્પૃશ્યતાનો પ્રશ્ન અહીં એક નિમિત્ત તરીકે આવે છે.

“અત્યારે અસ્પૃશ્યતાનો પ્રશ્ન પ્રજા સમક્ષ આવ્યો ત્યારે આ કિસ્સો લખી નાખવાને હું પ્રેરાયો અને એમાં અસ્પૃશ્યતા પછવાડેનું માનસ પણ વ્યક્ત થતું હોવાથી અહીં તે મૂકવાનો પ્રસંગ લઉં છું.

“ભજવવામાં ઉપકરણ ઓછામાં ઓછાં, સાદામાં સાદાં, અને સર્વથા સુલભ રાખવાનો મારા ઉદ્દેશ છે. રંગભૂમિ સજ્જ કરવાનાં સૂચનોમાં સ્થલનું થોડું વિશિષ્ટરૂપે વર્ણન કર્યું છે પણ તેને બદલે સાદા તખ્તા ઉપર અને જરૂર પડે તો માત્ર ઓરડામાં ઓટલા ઉપર કે શેરીમાં પણ ભજવી શકાશે.

“બીજી સૂચના પણ ઓછામાં ઓછી આપી છે. કિસ્સાનું પૂર્વ વૃત્તાન્ત અને બનાવો સમજવામાં મદદ થાય તેટલા પૂરતું નાટકની શરૂઆતમાં થોડુ કહેલું છે—જો કે એ બધું નાટકની ઉક્તિઓમાં સ્ફુટ થાય છે. નાટકનાં પાત્રોના માનસ વિશે પણ ઓછામાં ઓછી સૂચનાઓ કરી છે. કોઈ જગાએ માનસ કે વસ્તુસ્થિતિ ઉપર કટાક્ષ કે ટીકા કરવાનો પ્રસંગ, હાલના કેટલાક પાશ્ચાત્ય નાટકકારો લે છે તેવો, મેં લીધો નથી. અને માનસ વિશેની સૂચના, નટની પસંદગી ઉક્તિના ઉચ્ચારણમાં ઉપકારક થાય તેટલે અંશે જ મૂકેલી છે. અવાજ ધીમો મોટો કરવાની સૂચના એકાદ જગાએ ઉદાહરણ તરીકે જ આપી છે. ઉક્તિ સાથેના અભિનય માટે પણ ઓછામાં ઓછી સૂચના આપી છે, કારણ કે એક જ ભાવ દરેક નટ એક જ