ધનુભાઈ : પણ સ્વાદિષ્ટ તો છેને?
મેં કહ્યું : હા ગળ્યું છે એટલે સ્વાદિષ્ટ ન હોય ને ક્યાં જાય ! પણ એનું માન ધીરુબહેનને છે. પણ ધનુભાઇ મિત્રભાવનાના તમારા અભિપ્રાય પ્રમાણે મિત્રની પત્નીનાં વખાણ કરવાં એ નિષિદ્ધ તો નથી ને?
ધીરુબહેન : હું તમારી મિત્ર જ છું, મિત્રની વહુ નથી.
પ્રમીલા : પુરુષને સ્ત્રી મિત્ર હોય એ પણ, આપણે મિત્રાચારીનો વિચાર કરીએ છીએ માટે કહું છું, કે આધુનિક જમાનાનું જ લક્ષણ ગણાવું જોઈએ.
ધીરુબહેન : ના સંસ્કૃતમાં મિત્ર શબ્દ નાન્યતર જાતિનો છે, તે સ્ત્રી પુરુષ બન્ને માટે કામ આવે માટે હશે. મને શ્લોક, કે આમની પેઠે દોહરો બનાવતાં આવડતો હોત તો કહેત કે :
મિત્રાચારીમાં न च लिगं न च वय:૧[૧]
પ્રમીલા : ભાભી તમે પણ ક્યાં ઓછાબોલાં છો ? હવે સભા પૂરી કરો. ફરવા જવાનો વખત થયો.
ધીરુબહેન : આવતા વખતની બે મિત્રોની વાર્તા તમારે માથે છે.
ધનુભાઈ : હા.
ધીરુબહેન : સભાનું કામ—
મેં કહ્યું પ્રમુખનો આભાર—
ધીરુબહેન : હું આખા વરસની પ્રમુખ છું. આજનું કામ બંધ કરું છું.
- ↑ ૧ મૂળ ભવભૂતિની પંક્તિ: गुणाः पूजास्थानं गुणिषु न च लिंग न च वयः। અર્થાત્: ગુણીજનોમાં ગુણ એ જ પૂજાનો વિષય છે. તેમની વય કે તે સ્ત્રી છે કે પુરુષ એ પ્રશ્ન હોતો નથી.