પાર્વતી૦ : ( ગોઠણભર થઈ તે ) કેટલાં ગયાં એ જુઓ છો, પણ જાય છે એ જુઓ છો ? જુઓ, અમે સાત ભાઈઓ, છ ભાઈઓ મારા એમ ને એમ કુંવારા ને કુંવારા મરી ગયા. લીલ*[૧] પરણાવતી વખતે બધા ખાવા આવો છો, પણ કોઈ ને વિચાર થાય છે, કે આના કપાળમાં ચાંદલો કરીએ ? નાત કેમ આનો કાંઈ બંદોબસ્ત નથી કરતી ? નાતનાં માણસને નાત નહિ પરણાવે તો કોણ પરણાવશે? ગામનાં છોકરાં કાંઈ પરગામ રમવા જશે ? અને અમે શા ખોટા છીએ ? શું અમે લૂલા છીએ, અપંગ છીએ, આંધળા છીએ, બહેરા છીએ, મૂંગા છીએ ? શું અમારું કુળ હલકું છે? અમારા કુળમાં નાતો થઈ છે એવી કોણે કરી છે? હા, અત્યારે પૈસે ટકે ઘસાઈ ગયા હઈશું, પણ એમ દશાવીશી સહુની ચાલતી આવી છે ! નાતમાં સૌ સરખું. એ મારા ભાઈ મરી ગયા એની આંતરડી નહિ કચવાઈ હોય ! હજી તો જુઓ શું થવાનું છે તે ! બે વરસથી મેં ઉપાસના માંડી છે. પંચકેશ રખાવ્યા છે. નાતનું નિકંદન ન કાઢી નાખું તો થઈ રહ્યું છે.
ત્રિભુ૦: લે રાખ રાખ ! ક્યાંક ઉપાસનામાં भार्यां रक्षतु भैरवः ને બદલે भार्यां भक्षतु भैरवः થઈ જશે, તો તારું જ નિકંદન નીકળી જશે. તને તો ચંડીપાઠે ય પૂરો નથી આવડતો.
પાર્વતી૦: આ જોને મોટો વિદ્વાનની પૂંછડી થઈ બેઠો છે ! બધા મને કહેવા આવો છો. પણ તમારી માતાનું સત જ માંડ્યું છે જવા, એની વાત નથી કરતા. જે માણસો ઢેઢનાં છોકરાં માતાના મંદિરમાં ઘાલે એવાને કન્યા આપો છો ને અમને પાઠની વાતો કરવા આવો છો !
- ↑ * નીલોદ્વાહ, ગાય પરણાવવાની ક્રિયા, જે ખાસ કરીને મોટી ઉંમરે પરણ્યા વિના ગુજરી ગયેલ બ્રાહ્મણ પાછળ કરવાનો કેટલીક નાતોમાં ચાલ છે. પરણેલા પછવાડે પણ થઈ શકે છે.