લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

પ્રેમકુંવરે ધીમતીને ધર્મપ્રસાદના ખંડમાં ઘસડી જઈને કહ્યું : આજે ભાભીને ગમતું નથી.

ધર્મપ્રસાદ : પણ બહેન, અમને પુરુષોને કે દી સ્ત્રીઓનું મન સંપાદન કરતાં આવડે છે તે ? પરણ્યા પહેલાં તો એવું કંઈ કારણ હોતું નથી. અને સ્ત્રીકેળવણી, પરણ્યા પછી હમેશાં સ્ત્રીઓ પુરુષોને ખુશ કરી શકે એ એક ઉદ્દેશથી જ જાણે ઘડાય છે. સ્ત્રીને ગાતાં આવડવું જોઈએ, સારાં કપડાં પહેરતાં આવડવું જોઈએ, સારું રાંધતાં આવડવું જોઈએ: અને પુરુષને સ્ત્રીને ખુશ કરવા કાંઈ જ આવડવાની જરૂર નહિ ! મને ગમતું નથી હોતું ત્યારે—

*[] [મારાથી રહેવાયું નહિ, મેં કહ્યું : ધનુભાઈ ! આ ધર્મપ્રસાદને તમારી પેઠે જ ભાષણે ચડી જવાની ટેવ છે. અને ધ એ ધ અને ૫ એ ૫ મળતા આવે છે !

પ્રમીલા : પ્રમુખ સાહેબ ! મારા વાર્તાવાચન દરમિયાન કશી પણ વાતચીત થવી ન જોઈએ. તમારા એ ઠરાવનો ભંગ થાય છે, તે તરફ ધ્યાન ખેચું છું.

મેં કહ્યું : હું ટીકા કરતો નથી; માત્ર ઉદ્‌ગાર કાઢું છું.

પ્રમીલા : અત્યારે તો જવા દઉં છું, પણ હવે જો કોઈ વિક્ષેપ કરશે તો દર વિક્ષેપે આખી વાર્તા પહેલેથી ફરી વાંચીશ.

ધીરુભાઈ : એટલે તારી વાર્તા એટલી કંટાળા ભરેલી છે એમ ને ?

પ્રમીલા : વાર્તા સાંભળ્યા પછી જોઉં છું, કેવાક કહો છો કંટાળાભરેલી !

ધીરુબહેન : નહિ વસન્તભાઈ, તમારે આપણા ઠરાવ પ્રમાણે ચાલવું જોઈએ.

વાર્તા પાછી શરૂ થઈ.]
 
  1. * વાર્તા ચાલતાં દરમિયાન મેહફિલનાં સભ્યોએ કરેલી વાતચીત આવા [ ] કૌંસમાં મૂકવાનો નિયમ રાખ્યો છે.