ધીરુબહેન : ભલે, તમારી વાર્તા દરમિયાન કોઈ પણ સભ્ય કશું બોલશે નહિ.
પ્રમીલા : ત્યારે ફરીથી વાંચું છું.
એક વાર ધીમતી બહેન અને પ્રેમકુંવર બન્ને બપોરે એકલાં બેઠાં હતાં. નાના ચન્દ્રકાન્તને, બહાર રહેવાની ટેવ પડે માટે, થોડા દિવસ એક મિત્રને ઘેર મોકલ્યો હતો. એટલે ઘર બધું ઘણું જ શાન્ત હતું. ધર્મપ્રસાદ પોતાના ખંડમાં હમેશની માફક કંઈક કામ કર્યા કરતા હતા. ઘરના સૂનકારથી કે કોણ જાણે શાથી ધીમતી બહુ જ ગમગીન દેખાતી હતી. પ્રેમકુંવરે પૂછ્યું : કેમ ભાભી આજે ગમગીન દેખાઓ છો ?
ધીમતી: ગમગીન નથી, પણ આજે કોણ જાણે કેમ કાંઈ ગમતું નથી.
પ્રેમકુંવર : મારા ભાઈને બોલાવું ?
ધીમતી: એમાં બોલાવવા’તા શા?
પ્રેમકુંવર : કેમ, હું છું એટલે શરમાઓ છો? કહો તો ચાલી જાઉં?
ધીમતી : મેં એમ ક્યાં કહ્યું ?
પ્રેમકુંવર : હાં, હાં, સમજી. તમારે એમને બોલાવવા નથી પણ જાતે જવું છે—અભિસારિકા થવું છે; તો થાઓ ને!
ધીમતી : અરે બેન ! હવે આટલે વરસે આવું બોલો છો ?
પ્રેમકુંવર : જુઓ ભાભી, થોડાં વરસ ઉપર એમ કહ્યું હોત તો માનત, પણ હવે તો પ્રેમ વિશે હું પણ એટલું જાણું છું કે ઉંમર થવાથી પ્રેમનાં અભિનવ સ્વરૂપો સદંતર જતાં રહેતાં નથી. ( ધીમતી સામે એક નજરે જોઈ ) ઓહો ભાભી ! હવે સમજી. તમે તો અત્યારે મુગ્ધા થયાં છો. ચાલેા ત્યારે, હું જ તમને ભાઈ પાસે ઘસડી જાઉં.