લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

શોધખોળ બુદ્ધિથી, કે સ્વદેશી પીણાંના પ્રચારના આગ્રહથી, કે નવા પીણાના લોભે મેહફિલ ચાલે અને તેમાં હું મોટો થઈને ફરી શકું તેટલા માટે, કે નાનપણમાં મેં પહેલી વાર સોડા પીધો ત્યારે મને બિલકુલ ભાવ્યો નહોતો તેના દ્વેષથી, કે લીંબુનું શરબત મારી પ્રકૃતિને બહુ અનુકૂળ પડે છે તેથી બધાં પીણાંનો મને શોખ થાય છે, કે—

અહીં ધીરુબહેને અને પ્રમીલા બહેને જાહેર ભાષણ ચાલતું હોય તેમ તાળીઓ પાડી એટલે ધનુભાઈએ સંકેલ્યું : નહિ, હું ભાષણ કરવાનો હતો જ નહિ. કારણકે હું માનું છું કે પ્રમીલા પાસે વાર્તા નથી અને તે કંઈક ઠગાઈ કરવાની છે; મારે તેમાં ઠગાવું નથી. હું તો માત્ર એટલું જ કહેતો હતો કે ઉપરનાં અનેક શક્ય અનુમાનોમાં કયું સાચું અને કયું ખોટું તે હું જાણું તેટલું ગમે તેવો માનસશાસ્ત્રી શું જાણે ? મારે ધંધાની જરૂર હોય અને હું પીણાંની હોટેલ જ કાઢવાનો હોઉં અને સ્વદેશી પીણાંની જાહેરખબરથી કમાવા જ માગતો હોઉં! ઠીક, પણ પ્રમુખસાહેબ, હવે વાર્તા આગળ ચલાવો.

ધીરુબહેન : ચાલો પ્રમીલા બહેન, ત્યારે તમે વાર્તા શરૂ કરો. અને આ બધાના તર્કો ખોટા પાડો.

પ્રમીલા : ચાલો હું વાંચું છું, સાંભળો:—

એક વાર ધીમતી બહેન અને પ્રેમકુંવર બન્ને બપોરે એકલાં બેઠાં હતાં.

મેં કહ્યું : વારતાનું નામ તો કહો.

પ્રમીલા : મારી વાર્તાને નામ જ નથી. અને પ્રમુખસાહેબ, મારે એક વિનંતી કરવાની છે. હું આખી વાર્તા વાંચી રહું ત્યાંસુધી કોઈએ કશું પૂછવું નહિ, કોઈ એ કશું બોલવું નહિ. જે કાંઈ કહેવું હોય તે વાર્તા પૂરી થયા પછી કહેવું.