લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
દ્વિરેફની વાતો

અને આનંદનું વાતાવરણ ફેલાવવા પ્રેરાય છે. માલતીને લાગ્યું કે તેણે સૌથી પ્રથમ ચાનાસ્તો તૈયાર કરવાં જોઈએ. તેણે કહ્યું : “કોદરભાઈ, મને બધું બતાવો. લાવો હું ચા તૈયાર કરું. તમે એમને દાતણની સામગ્રી આપો.” પણ માલતીએ આ પરિસ્થિતિથી મનમાં મુગ્ધ રીતે કાર્યક્રમ ઘડ્યો હતો, તો કોદરે તો મહિનાઓ અને વરસોથી ઘડી રાખ્યો હતો. જાણે જગતનો સ્વાભાવિક નિયમ કહેતો હોય તેમ તેણે કહ્યું : “બહેન, તમને શાન્તિભાઈનો ચા કરવો નહિ ફાવે. કેમ ખરું ને ભાઈ ! મેં તમારે બંનેને માટે દાતણપાણી મૂકી રાખ્યું છે.” એમ કહી તેણે શાન્તિલાલ સામે જોઈ ઉત્તર માગ્યો. શાન્તિલાલ, પિતાના, કોદર અને પોતા સાથે પડાવેલા ફોટા સામે જોતો હતો. તેને કોદર અત્યારે પિતાના એક જીવન્ત સ્મારક જેવો લાગતો હતો. તેણે કહ્યું : “એને કરવા દો.” જેમ કોઈ બાળકને તેની રમત ભાંગતા થાય તેમ માલતી ખસિયાણી પડી ગઈ. તે વખતે તો તે ગમ ખાઈ ગઈ; પણ ચા પીતી વખતે કોદર કંઈ કામે દૂર જતાં તેણે શાન્તિલાલને એક જ સવાલ ગંભીર થઈ પૂછ્યો : “ગઈ કાલે મેં તમને ચા કરી આપી હતી તે તમને ફાવી નહોતી?” શાન્તિલાલે સરલ રીતે હા પાડી. પણ માલતીના પ્રશ્નમાં વ્યંગ્યરૂપે એવું સ્પષ્ટ તહોમત હતું કે કોદરને આપેલ આદરનો તે ખુલાસો કરી શક્યો નહિ અને જરા અસ્વસ્થતાના વાતાવરણમાં કામ આગળ ચાલ્યું.

માલતી નાહી રહી ને રસોડામાં જાય છે તો કંસારનો સર્વ સામાન તૈયાર રાખી કોદર ઊભેલો. માલતી નાહતી હતી તે દરમિયાન તેણે શાન્તિલાલને શું રાંધવું તે પૂછેલું. શાન્તિલાલે ઠીક લાગે તે કરો એમ કહેલું. અને કોદરે કહેલું, “ભાઈ, આજે તો કંસાર જ હોય, મેં તૈયાર કરાવી રાખેલ છે.”