શાન્તિલાલે ‘ભલે’ કહેલું અને તે પ્રમાણે ઉમંગમાં ને ઉમંગમાં માલતી રસોડામાં જાય તે પહેલાં તેણે બધું તૈયાર કરી મૂકેલું હતું. માલતી શું રાંધવું તેનો વિચાર કરે કે શું રાંધવું તે શાન્તિલાલને પૂછવાનો વિચાર કરે કે પોતે નિર્ણય કરે તે પહેલાં કોદરે કહ્યું : “મેં ભાઈને પૂછ્યું છે. ભાઈએ કંસાર કરવાની હા પાડી છે.”
માલતીએ પોતે પૂછ્યું હોત તો શાન્તિલાલ એ જ જવાબ આપત અને કદાચ માલતી પણ એ જ નિર્ણય કરત, પણ માલતીને આ પારકો નિર્ણય સ્વીકારવો પડ્યો તે ન ગમ્યું. બાળકને કંઈ પણ ચીજ હાથમાં લઈ મોંમાં મૂકતાં આવડે છે તે જ ક્ષણથી તે બીજાના હાથે ખાતું નથી. બીજાના હસ્તક્ષેપનો તેને અમર્ષ થાય છે. અને માણસ દરેક નવી પ્રવૃત્તિ કરે છે ત્યારે એ જ બાલમાનસથી તે શરૂ કરે છે. માલતીને પણ એજ અમર્ષ થયો. તે પાછી બીજી વાર ગમ ખાઈ ગઈ.
જમી પરવારી રહ્યા પછી શાન્તિલાલે માલતીને કહ્યું : “ઘરમાં સામાન મંગાવવો હોય તો તેનું લિસ્ટ કરો, આપણે મંગાવીએ.” ઘણીખરી વસ્તુઓ તો ઘરમાં હતી; પણ એક બે વસ્તુઓ સાથે માલતીએ સ્ટવનું નામ આપ્યું. તે વખતે અમદાવાદમાં હજી સ્ટવ નવોસવો પ્રવેશ કરતો હતો અને માલતીને નવી જ ચીજ ઘરમાં વસાવવાનો શોખ થયો પણ સ્ટવનું નામ સાંભળતાં કોદર એકદમ ચમક્યો અને બોલ્યો : “ના ભાઈ, બાપુ સ્ટવ લાવવાની ના કહેતા હતા. તેનાથી રસોઈ ખરાબ થાય છે.” માલતીએ કહ્યું : “આપણે ફક્ત ચા જ કરીશું; ઝટ થઈ શકે.” પણ કોદરે તરત જ રદિયો આપ્યો : “તમે ચાની ફિકર કરો મા. ને હું કહેશો તેટલો વહેલો ઊઠીને કરી આપીશ. બાપુ કહેતા કે તેનાથી ભડકો