થાય ને ક્યાંક બળી જવાય.” શાન્તિએ “કંઈ નહિ, હમણાં સ્ટવ વિના ચલાવી લો. પછી વાત.” કહી વાત બંધ કરી.
નદી પહેલી જ વખત પોતાના ઉદ્ભવસ્થાનમાંથી નીકળી આગળ જતી હોય અને એના માર્ગમાં જડ ડુંગરો આવે ને તે મૂંઝાય, તેનાં પાણી ભટકાઈને પાછાં વળે અને તેનું પાત્ર ઊંડુ ખોદાવા માંડે, તેમ માલતીના મનમાં થયું. તે જેટલી કોડીલી હતી તેટલો તેને આઘાત થયો. પણ તે જેટલી કોડીલી હતી તેટલી જ માનિની હતી, તીખી હતી ને ગૌરવવાળી હતી. તે ફરી ગમ ખાઈ ગઈ. “ભલે ત્યારે એમ” કહી, તેણે એ વાત પૂરી કરી.
જેમ વેલની નસેનસમાં પાણી ફરી વળે તેમ, માલતીની દરેક ઊર્મિ, વિચાર, આઘાત, દુઃખ શાન્તિલાલ સમજી શક્યો હતો. તેને સમજાયું કે કોદરની રીત માલતીના ઊછરતા કોડની આડે આવે છે. પણ બીજી તરફ એ પણ સમજતો હતો કે કોદર ઘરડો થયો છે. જૂના નિયમો સિવાય તે કશું સમજી શકવાનો નથી, અને પિતાના આદેશ પ્રમાણે, મારા સિવાય બીજા કશાને માટે જીવી શકવાનો નથી. તેને મનમાં થયું કે કોદરે પોતા માટે કેટલું કર્યું છે અને તેનું મન એક બાજુથી કેટલું આગ્રહી અને બીજી બાજુથી કેટલું ભંગુર, કેટલું બરડ થઈ ગયું છે તે માલતીને સમજાવું, તો જ માલતીનું સમાધાન થશે.
રાત્રે કોદરે પરમાણંદદાસના જ મુખ્ય ઓરડામાં બંનેને માટે જૂની રીત પ્રમાણે ઢોલિયા બિછાવી રાખ્યા હતા. શાન્તિ અને માલતી એકાંતમાં મળતાં શાન્તિએ વક્તવ્યની પ્રસ્તાવના કરતાં કહ્યું : “કેમ તને જરા એકલું તો લાગશે. તારા પિતાને ઘેર તો વસ્તારી કુટુંબ છે. અહીં તો કોઈ નથી.”