માલતીએ કહ્યું : “ના, કોદરભાઈ છે ને!” એ એક જ વાક્યમાં તેણે એટલી કડવાશ, એટલી તીખાશ મૂકી કે શાન્તિલાલ આગળ વાત જ ન કરી શક્યો. તેને લાગ્યું કે માલતીના અનુનયને માટે બીજો ઉપાય શોધવો પડશે.
આખી રાત બન્ને કશી પણ વાતચીત વિના સૂઈ રહ્યાં. માલતીએ પિયેરથી નીકળતી વખતે, શાન્તિના કાગળોમાં આવેલી હકીકત વિશે, તેણે સાઈકલ ઉપર કરેલી મુસાફરીઓ વિશે, તેણે એક રાત એક ડુંગર ઉપર રાતવાસો કરેલો અને ત્યાં ધુમ્મસના અંધારામાં ડુંગરની કરાડ ઉપર અજાણતાં આવી ચડેલા, જે વાંચીને માલતી ભયભીત થઈ ગયેલી અને તેનાથી તે અજ્ઞાાત રીતે જિતાઈ ગઈ હતી એ વિશે, અનેક વાતો પૂછવાની મનમાં ધારેલી, પણ તેમાંથી એક પણ તેની જીભ પર આવી શકી નહિ. અમદાવાદ આવતાં ગાડીમાં એક બાઈએ માલતીને પૂછેલું : “તમે ક્યાંનાં રહેવાસી ?” અને માલતીએ જરા પણ વિચાર કર્યા વિના પિયેરનું નામ ન દેતાં ‘અમદાવાદનાં’ કહેલું ત્યારે, હવે માલતી તદ્દન મારી થઈ ગઈ છે એ વિચારનો ઉમળકો આવતાં, જળભર્યો મેઘ પર્વત પરની વનરાજિને આલિંગે તેમ, માલતીને આલિંગનમાં સમાવી દેવાની તેને ઈચ્છા થયેલી; પણ અત્યારે બન્નેની વચ્ચે જાણે કોદર આવી ગયો હતો. બંનેની વચ્ચે હજારો માઈલનું અંતર હતું ત્યારે તેમનાં હૃદય નિકટ હતાં, અત્યારે બન્ને નિકટ હતાં ત્યારે તેમનાં હૃદયો દૂર દૂર થતાં જતાં હતાં.
બીજે દિવસે સવારથી જ બનાવો અવળી દિશાએ ચાલવા લાગ્યા. માલતીએ વહેલા ઊઠવાની ટેવ કેળવી હતી. તે સવારે દૂધવાળાનો અવાજ સાંભળી ઊઠીને દૂધ લેવા જતી હતી ત્યાં શુકનમાં સામો જ કોદર મળ્યો. તેણે કહ્યું : “બહેન, શા માટે આટલાં વહેલાં ઊઠ્યાં છો? મેં દૂધ લઈ લીધું છે.