પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દરમિયાન શાંતિલાલ કોદરને માઠું ન લાગે તેમ તેને દૂર કરવાનો વિચાર કરતો હતો. તેને એક યુક્તિ જડી. ઓફિસમાં વધારે જોખમવાળા કામમાં તેના જેવા ભરોસાદાર માણસની જરૃર છે એમ કહી તેને ખાસ પોષાક પહેરાવી એક સારી જગાએ બેસી રહેવાનું તેણે નિયુક્ત કરી આપ્યું. એ રીતે ઘરમાં દિવસના ઘણાખરા કલાકોની તેની ગેરહાજરી તે મેળવી શક્યો. આથી માલતીને કોદર તરફની પજવણી ઓછી થઇ લાગી ખરી, પણ તેના મનનું સમાધાન ન થયું. તેને લાગ્યું કે જાણે તેના ઉપર ઉપકાર કરવા એક માણસને ખસેડયો છે. ગૃહિણીના સ્વાભાવિક અધિકારમાં પોતે આવી હોય એવી તેને પ્રતીતિ ન થઇ. શાંતિલાલ આ પણ સમજી ગયો. પણ ચાહીને - માંડીને વાત કરીને આવી અંગત વાતનો ખુલાસો કરવો એ એને અરુચિકર, અ-નાજુક, અરસિક લાગ્યું. સમય જતાં માલતીનું મન જરા પીગળશે ત્યારે સ્વાભાવિક રીતે વાત કરવી ઠીક પડશે એમ માની તેણે હમણાં વખત જવા દીધો. માલતીએ પોતાના સ્વભાવ પ્રમાણે કદી કશું પૂછ્યું પણ નહિ.

એક દિવસ બપોરના ઘરમાં ચાનું પાણી ઊકળતું હતું. માલતી બીજા ઓરડામાં હતી. ત્યાં કોદર ઓફિસના કાંઇ કામે ઓચિંતો આવ્યો અને ચા ઊકળતી જોઇ 'બહેન, તમે આમાં મસાલો નાખવો ભૂલી ગયાં છો' એમ બોલી તેણે અંદર ફુદીનો, એલચી, તજ વગેરે નાખ્યું. માલતી ત્યાં જાય અને કશું ન થાય એટલા માટે શાંતિલાલ ત્યાં ગયો અને 'કંઇ નહિ, ભલે કોદર ચા કરે' એમ કહી પાછો વળ્યો, ત્યારે ઘણા દિવસના રોષે માલતીના મોંમાંથી નીકળી ગયું : 'મને સમજાતું નથી કે હું તે એક વરને પરણી છું કે બેને ?' પણ આ વાક્ય કહ્યા પછી તેને ઘણું જ માઠું લાગ્યું.