પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વધારે મૂંઝાતી હતી. બહાર નીકળતાં લોકોની 'આ અમારી જમીન લઈ ગયાં છે' એમ કહેતી દ્રષ્ટિથી તે જાણે દાઝતી હતી, શોષાતી હતી. તેને લાગ્યું કે આ પાપ કરવામાં ધણીની સાથે પોતે પણ ભાગીદાર છે.

વળી તેનું વિચારચક્ર ફર્યું. તેણે વાંચ્યું હતું કે ખરાબ વિચારોની ગર્ભના બાળક પર ખરાબ અસર થાય છે. તેણે સારા વિચારો કરવાનો પ્રયત્ન કર્યો. જમીનનો વિચાર કરવાનું બંધ કરવાનો નિશ્ચય કર્યો. ફૉન્સેકાને પણ તેણે હમણાં જ એ નહિ બોલવાનું વચન આપ્યું છે. કંઈ નહિ, આ જમીનની ઊપજમાંથી પણ લોકોનું ભલું કરી શકાશે. નિશાળ કાઢી શકાશે, દવાખાનું કાઢી શકાશે, નાનું સરખું દેવળ બાંધી શકાશે અને આ લોકોને ખ્રિસ્તી ધર્મનો બોધ કરીને ખ્રિસ્તી બનાવી શકાશે. આ 'સારા' વિચારોના સુખમાં તે અર્ધનિદ્રિન થઈ ગઈ. માણસ પોતે કરેલા ખરાબ કૃત્યને સુધારીને નહિ, પણ તેને વિસારીને સારો થવા માગે છે !

રાતના દશેકનો સુમાર છે. જેનીને પ્રસૂતિની સખત પીડા થાય છે. ફૉન્સેકા વારંવાર નર્સને તેની તબિયત પૂછવા જાય છે અને કશો ખાસ ઉત્તર મળતો નથી. તે ગાભરો ગાભરો ચૉકમાં અતિ વ્યગ્ર મને આંટા મારે છે. એકદમ કાંઈ નવું જ સાંભર્યું હોય તેમ નર્સ પાસે જઈ તેણે પૂછ્યું  : 'પ્રસૂતિમાં ગમે તેવી મુશ્કેલી હોય તોપણ તમે કામ કરી શકશોને ?'

આ પ્રશ્ન જરા પણ નવો નહોતો. તેણે તે લગભગ હરરોજ પૂછ્યો હતો અને આજની વેદનામાં આ ચોથી વાર પૂછ્યો હતો. પણ નર્સને માણસની આ પ્રકૃતિની ખબર હતી. તેણે ધંધાને અંગે કેળવેલ ધીરજથી અને મૃદુતાથી જવાબ આપ્યો  :