રાખી, મિત્રો ગયા પછી તેણે તરત ઊઠીને તેને શોધવા પોતાના ઑફિસના નોકરોને મોકલ્યા. જમતા તેને જમવું ભાવ્યું નહિ. માલતીએ આ બધું જોયું. તે સમજી અને તેને ઊલટું વધારે ખરાબ લાગ્યું. તેને ફરી મનમાં થયું કે કોદરને ઑફિસમાં કાઢ્યો તે માત્ર બહારથી મારું મન મનાવવા જ હતું, બાકી તો એમના હૃદયમાં માત્ર કોદર જ હતો. રાત્રે શાન્તિલાલને ચિંતાતુર દેખતાં તેને લાગ્યું કે કોદર હાજરીમાં હતો તેથી વધારે હવે ગેરહાજરીમાં વ્યવધાનરૂપ થયો. આ દંપતી જે એટલાં બધાં એકમેકને ચાહતાં હતાં—ચાહવાને આતુર હતાં, તે પ્રેમની નિરાશાના લગભગ અંતિમ બિંદુએ પહોંચ્યાં. બંનેને પોતાનો સહવાસ એક શિક્ષારૂપ હતો.
બીજે દિવસે પણ કોદરનો પત્તો લાગ્યો નહિ. કોદરને આ ઘર સિવાય કોઈ મિત્ર કે બેસવાઊઠવાનું ઠેકાણું નહોતું; એટલે તેની ખોળ વધારે મુશ્કેલ થઈ પડી. તેનું ગામ કયું હતું તે તો કોદર પોતે પણ ભાગ્યે જ જાણતો હશે. શાન્તિલાલે માલતીને કશું જ જણાવ્યા વિના પોલીસ મારફત તપાસ કરાવી, પણ બીજે દિવસે પણ કશો પત્તો લાગ્યો નહિ.
ત્રીજે દિવસે બપોરે વરસાદ આવ્યો અને સાંજથી અમદાવાદમાં એવી ઠંડી પડી જે કોઈ પણ જીવતા માણસની સાંભરણમાં નહોતી. પછીના દિવસોમાં આ ટાઢનું વર્ણન કરતાં વર્તમાનપત્રકારોએ લખેલું કે ઠંડીને દિવસે પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ ફરતો ત્રીસ માઈલ સુધીનો પાક બળી ગયો છે. સરકારે ભયંકર દુકાળને પહોંચી વળવા તૈયારીઓ કરવી પડશે. માત્ર પાક જ નહિ, ઘણાંખરાં મોટાં ઝાડો પણ કાળાં પડી ગયાં છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી મેઈલમાં ત્રણ માણસો ટાઢથી મરી ગયાં હતાં. કૂતરાં, વાંદરાં, ખિસકોલીઓ અને કબૂતર અને કાબરો સુદ્ધાં ટાઢથી મરી