લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
દ્વિરેફની વાતો

ગયેલાં રસ્તા ઉપર પડેલાં હતાં. અને બીજે દિવસે બપોરના બાર સુધી તેને ખેંચી જવાને માણસો પણ મળી શક્યા નહોતા. શહેરમાં મજૂરી કરવા આવેલું કાઠિયાવાડનું એક કુટુંબ નદીની રેતમાં સૂઈ રહેલું તે આખું, ધણીધણિયાણી અને પાંચ છોકરાં સર્વે ટાઢથી મરી ગયેલાં હતાં. એક વર્તમાનપત્રમાં વળી કોઈ લહેરી કવિએ આ ટાઢ ઉપર કવિત જોડ્યું હતું જેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે હતી :-

બહુ અવગુણ પણ એક અદ્વિતીય ગુણ,
પિયુ-પ્રિયા હૈયાં આવાં બદ્ધ કદી હતાં નહિ.

આવી રાત્રે શાન્તિલાલે બાર વાગ્યા સુધી અંદર દીવાનખાનામાં ફર્યા કર્યું. માલતીએ સૂતાં સૂતાં આ સાંભળ્યા કર્યું. પણ તે તેને સૂવા ઊઠવાનું કહી શકી નહિ. શાન્તિલાલ સૂતા પછી પણ તેણે તેના ઉજાગરાના શ્વાસોચ્છ્વાસો અને પછી ઊંઘમાં નિઃશ્વાસો સાંભળ્યા કર્યા. ચિંતા, ગુસ્સો, દ્રોહ, મૂંઝવણ એ સર્વથી તેને રાત આખી ઊંઘ આવી નહિ. સવારના સમયે તેણે દાદર ઉપર કંઈક અવાજ સાંભળ્યો. દૂધવાળો હશે જાણી તે કમાડ ઉઘાડી બહાર ગઈ અને ત્યાંનું દ્રશ્ય જોઈ તે ક્ષણભર સ્તબ્ધ જ થઈ ગઈ.

કોદર એક કોથળાની માફક ભીંજાયેલે કપડે ઢગલો થઈ પડ્યો હતો. માલતી તેને ઓળખી શકે તે પહેલાં તેણે કહ્યું : “બહેન, ભાઈ ગમે તેમ કહે પણ તેમને આજે મશાલો નાખીને ચા પાજો, નહિતર શરદી થઈ જશે. બાપુ કહેતા ગયા છે.” માલતી બહાદુર હતી, નહિતર કોદરના ભયંકર મૃત્યુપારથી આવતા જેવા અવાજથી તે ભડકી ગઈ હોત. તેણે એકદમ ઘરમાં જઈ “કોદરભાઈ બેભાન થઈ ગયા છે, ઝટ ઊઠો.” કહી શાન્તિલાલને ઉઠાડ્યો. બન્નેએ તેને ઊંચકી ઓરડામાં પહેલો જ માલતીનો ઢોલિયો આવ્યો તેના પર તેને