પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પર સુવાડયો. 'તમે તેમને કોરા કરી ગરમ કપડાં પહેરાવો.' કહી તેણે ટુવાલ અને પતિનાં જે ઝટ હાથમાં આવ્યા તે ગંજી-ફરાક વગેરે હાજર કર્યાં. નોકરને જગાડી તે જ વખતે દાકતરને બોલાવવા દોડાવ્યો. ઘરમાં જઇ સ્ટવ કરી તેના પર ગરમ પાણી મૂકી, ઘરમાંથી કોદરે જ તૈયાર કરેલો સૂંઠનો ભૂકો આણી, તેણે કોદરને પગે ઘસવા માંડયો. શું કરવું તે શાંતિલાલને વારંવાર પૂછતી તે જીવ પર આવી કોદરને બચાવવા તેની સારવાર કરવા લાગી.

પણ તે સારવાર વ્યર્થ ગઇ. ડૉકટર આવ્યો અને તેણે કહ્યું કે થોડા કલાકનો જ સવાલ હતો. માલતીએ મસાલો નાખી ચા કરીને આણી, પણ કોદર પી શક્યો નહિ. અને સવારના નવેક વાગે, જેની સેવામાં તેણે જીવન વિતાડયું હતું અને ખોયું હતું, તેની એક છેલ્લી સેવા લઇ તે વિદાય થઇ ગયો.

દિવસ આખો કોદરની અંતિમ ક્રિયામાં ગયો. રાત્રે શાંતિલાલ તેના ઓરડામાં સૂવા ગયો ત્યારે માલતી આરામખુરશી પર માથું નાખી પડી હતી. શાંતિલાલ જોઇ શક્યો કે તે રડતી હતી. પાસેના ઢોલિયા પર બેસી શાંતિલાલે ધીમેથી તેને માથે હાથ ફેરવ્યો. ધીમેથી માથું ઊંચું કરી તેને કહ્યું : 'તેમાં તું સારુ રડે છે? એ જતો તો રહ્યો મારા કહેવાથી!' અને એમ કહેતાં તેણે માલતીને નરમાશથી ઊભી કરી ઢોલિયા પર લીધી. જાણે કંઇક શબ્દની જ જરૃર હોય તેમ આટલું સાંભળી તેણે શાંતિલાલના ખભા પર માથું નાખી લાંબા નિશ્વાસથી અસ્ખલિત અશ્રુપ્રવાહે રડી દીધું. શાંતિલાલે તેને શરીરે પંપાળ્યા કર્યું અને રડવું કંઇક ઓછું થયું ત્યારે ફરી કહ્યું : 'તેમાં તારો શો દોષ?' માલતીએ રડવું રોકી કહ્યું : 'નહિ નહિ નહિ. તમે એને લડયા તે મારાથી કંટાળીને. હું જ એને ખરી મારનાર છું.' એમ એમ કહી તેણે ફરી રડવા