પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હજી કંઈક ગામોમાં કુશલ તરનારા, સાપ ઉતારનાર, કમળો ઉતારનારા, ડામ દેનારા, કાન વીંધનારા, હાડકાં ચઢાવનારા, કંઠમાળ જેવા હજી અસાધ્ય મનાતા રોગો મટાડનારા, યોગપ્રક્રિયાઓ અને ઉપાસના કરનારાઓ હોય છે. તેઓ પોતાની રીતે કામ કરી, પોતાની આસપાસ સુકૃત્યોનો પમરાટ ફેલાવી સમય પૂરો થયે ચાલ્યા જાય છે.

આ જાહેરખબરોના જમાનામાં તેમને વિશે કોઈ કશું જાણતું નથી. તેમનામાં સાચું કેટલું હતું, વહેમ કેટલો હતો તે કોઈ વિચારતું નથી, અને તેમની જગા કોઈ પૂરતું નથી. અબ્દુલ ઘાંચી એવી એક વિરલ વિભૂતિ હતો. પ્રસૂતિનો ગમે તેવા મુશ્કેલ કેસ તે પાર પાડી શક્તો. સ્ત્રીઓને સંકોચ ન થાય માટે તે પાટો બાંધીને કામ કરતો. એવી તેની કુશળતા હતી, એવી તેની ટેક હતી. તે પોતાનો ઇલમ ઈશ્વરદત્ત માનતો અને જે બોલાવે તેને ત્યાં જતો. કદી પૈસા લેતો નહિ. આ નવાં આવેલાં ક્રિશ્ચિયનો તો ગામમાં કોઈ સાથે ભળતાં નહિ પણ ચુનિયો સર્વને ઓળખતો થયો હતો. તેણે આ વાત સાંભળી હતી અને શેઠશેઠાણીને કહી હતી. ડૉક્ટરને આવવાનો સંભવ ઘણો ઓછો છે એમ માની ફૉન્સેકાએ, દેશી લોકોની ચીડ છોડી દઈ, અબ્દુલને બોલાવવાની હા પાડી.

ફૉન્સેકાની જમીનની સામે ઇનામી જમીનના આંબાવાડિયામાં ખોડીદાસ પટેલ રહેતો હતો. તે નામ પ્રમાણે ખોડો જ હતો. અને એ ખોડી બિલાડી અપશુકન કર્યા વિના રહી નહિ. કેટલાક માણસો જોઇને કે સાંભળીને નહિ પણ ગંધથી બનાવ જાણી જાય છે તેમ તે જાણી ગયો હતો કે બાઇને કાંઈક મુશ્કેલી છે. સત્યાગ્રહની લડતમાં તેણે પાઇ પણ ખોઈ નહોતી. સહી કરવામાં તે સૌથી છેલ્લો હતો તોપણ અત્યારે તે આટલી મોડી રાતે નર્સ કે ચુનિયાની પહેલાં ઘેરથી નીકળ્યો