પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અને પ્રથમ અબ્દુલને ત્યાં ગયો. અબ્દુલ હજી જાગતો હતો. તેનો નાનો છોકરો 'મા' 'મા' કરી રોઇ રોઇને હમણાં ઊંઘી ગયો હતો, અને તે પોતે ઓટલા ઉપર શૂન્ય થઈ બેઠો હતો. પાણીમાં ઊંડા ઊતરી જતાં, આંખો બંધ હોઈ ડૂબનાર પાણી દેખતો નથી, છતાં પાણી તેને ચારે તરફ દબાવે છે અને ગૂંગળાવે છે, તેમ અબ્દુલ પોતાનાં દુ : ખનો વિચાર કરતો નહોતો, પણ ચારેય તરફનાં દુ : ખો તેને દાબીને મૂંઝવતાં હતાં.

'અબ્દુલ કાકા, પેલો તમારો જમીનચોર બરાબર લાગમાં આવ્યો છે. ઘેર ખાટલો આવ્યો છે. જોજો ભોળા થતા !' કહીને ગુલાબભાઇને ઘેર વધામણી ખાવા દોડયો. ગુલાબભાઈને ત્યાં બરાબર હસ્તમેળાપનો સમય હતો. ગુલાબભાઈ પાટલા પર બેઠા હતા. ખોડીદાસ આસપાસના લોકોને બહુ અગત્યનું કામ છે એમ સમજાવી ઠેઠ ગુલાબભાઈના પાટલા પાસે ગયો અને કાનમાં કહ્યું  : 'ગુલાબભાઈ, પેલો જમીનચોર લાગમાં આવ્યો છે -'

'અલ્યા, પણ તારી કઈ જમીન ગઈ છે તે તું એને જમીનચોર કહેવા આવ્યો !' ગુલાબભાઈ ખોડીદાસને ઓળખતા હતા.' 'પણ ગુલાબભાઈ-'

'રે જા હવે, મધરાતે ટાંગો ઉલાળતો આવે છે ! અત્યારે હસ્તમેળાપનો વખત છે એટલું પણ સમજતો નથી ! શું જાણીને ડાહ્યો થઈ બોલવા બેઠો છે. જા ઊઠ અહીંથી.' ખોડીદાસ ત્યાંથી નાઠો. એટલામાં નર્સ આવી પહોંચી. તેણે ગુલાબભાઈને વાત કરી. ગુલાબભાઈ ખોડીદાસની વાત હવે સમજી ગયા. તેમણે તરત જ ડૉક્ટરને બોલાવ્યા અને કહ્યું  : 'એ તો જમીનચોર થયા પણ આપણાથી એવાં થવાય ? તમે હમણાં ને હમણાં જાઓ.'